જામનગર શહેરનાં રાંદલનગર વિસ્તારમાં આવેલી પાનની દુકાને કુખ્યાત શખ્સે મસાલાના પૈસા માગતા દુકાનદાર ઉપર ઈંટોના છૂટા ઘા કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં બાપા સિતારામની મઢુલી નજીક આવેલી ભરતસિંહ ચૌહાણની પાનની દુકાને રવિવારે રાત્રિના સમયે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મસાલો ખાવા આવ્યો હતો અને મસાલો લીધા બાદ દુકાનદારે પૈસા માંગતા ઉશ્કેરાયેલા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલા ડોને દુકાનદારને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ઈંટોના ત્રણ જેટલા છૂટા ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી. ઉપરાંત વેપારી યુવાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ વેપારીના નિવેદનના આધારે દિવ્યરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન છેલ્લાં ઘણાં સમયથી મારામારી, હુમલા, લૂંટ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોય તેની વિરુધ્ધ પાસામાં ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જેલમાંથી બહાર આવતા જ ફરીથી લખણ ઝળકાવ્યા હતાં.