દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક શિક્ષકે દ્વારકાની એક યુવતીને બિભત્સ મેસેજ કર્યાની ફરિયાદ યુવતીના ભાઈ દ્વારા દ્વારકા પોલીસમાં નોંધવવામાં આવી છે. આ શિક્ષકે ઝેરી દવા પી લેતા રવિવારે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દ્વારકા તાલુકાના ટુંપણી ગામે રહેતા એક પરિવારની 21 વર્ષની યુવતીના મોબાઈલ ફોનમાં ટુંપણી ગામના પ્રાથમિક શાળાના શિક્ષક એવા હસનભાઈ વલીમામદભાઈ દ્વારા તેમના મોબાઈલ મારફતે વોટ્સએપમાં અવાર-નવાર અભદ્ર ભાષામાં મેસેજ કરવામાં આવતા હોવાથી આ યુવતીની પજવણી કરવા સબબ યુવતીના ભાઈ દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં પ્રાથમિક શાળાના શિક્ષક એવા હસનભાઈ વલીમામદભાઈ સામે આઈ.પી.સી. કલમ 354 (એ) તથા આઈ.ટી. એક્ટ ઉપરાંત પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકના પી.આઈ. પી.એ. પરમાર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ શાળાના શિક્ષક એવા હસનભાઈ વલીમામદભાઈ દ્વારા ગઈકાલે શનિવારે સાંજે ઝેરી દવા ગટગટાવી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર બનાવી અંગે શૈક્ષણિક વર્તુળ સાથે પોલીસ વર્તુળોમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે.


