જામનગર શહેરના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતા લોકોને અસામાજિક તત્વો દ્વારા આપવામાં આવતાં ત્રાસ અંગે વિસ્તારના રહેવાસીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ અંગે કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગરમાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે. જામનગરમાં ચોરી, હથિયાર જેવા બનાવોમાં આવારા તત્વોના નામ જાહેર થયા છે. તાજેતરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ ઉપર લોકો પાસેથી લૂંટ કરવાના ઇરાદાથી ખંડણી ઉઘરાવવાની ઘટના બની હતી અને આવા શખ્સોએ વિસ્તારના લોકોને તમારે જયાં જવું હોય ત્યાં જજો અમે કોઇનાથી બીતા નથી. તેવું જણાવી ધમકી આપી હતી. આથી અસામાજિક તત્વો કોઇ ડર વગર નિર્દોષ લોકોને રંજાડતા હોય આ અંગે સખ્ત કાર્યવાહી કરવા આ વિસ્તારના સ્થાનિકો દ્વારા આવેદન પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.