મથુરામાં અચાનક માહોલ ગરમાયો છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ 6 ડિસેમ્બરે મથુરા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ સંકુલમાં લડ્ડુ ગોપાલનો જલાભિષેક કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી માંગી છે. અખિલ ભારત હિન્દુ મહાસભા આ સંકુલને પ્રાચીન શ્રીકૃષ્ણ મંદિરનું ગર્ભગૃહ હોવાનો દાવો કરે છે. આ દરમિયાન મથુરા વહીવટીતંત્રે જિલ્લામાં કોઈપણ રાજકીય, સામાજિક અથવા ધાર્મિક સંગઠનના પાંચ કે તેથી વધુ લોકોને સભાઓ, ધરણાં અને પ્રદર્શન વગેરે માટે મંજૂરી વિના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પ્રતિબંધ આવતા વર્ષે 28 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં બાબરી ઢાંચાને તોડી પાડવાના 30 વર્ષ પૂર્ણ થવા પર અખિલ ભારતીય હિંદુ મહાસભાની ઈદગાહમાં હનુમાન ચાલીસાના પાઠનું એલાન અને મ્યુનિસિપલ સંસ્થાઓ સંબંધિત ચૂંટણી વગેરે કેટલીક વિશેષ ગતિવિધિઓને ધ્યાનમાં રાખી 1 ડિસેમ્બરથી પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે. જે આવતા વર્ષે 28 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.