Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર2017 વિધાનસભા કરતાં 2022માં મતદાન ઘટયું

2017 વિધાનસભા કરતાં 2022માં મતદાન ઘટયું

જિલ્લાની પાંચ બેઠકો ઉપર 59.29 ટકા મતદાન નોંધાયું : સૌથી વધુ જામજોધપુર બેઠક ઉપર 65.28 ટકા તથા સૌથી ઓછું કાલાવડ બેઠક ઉપર 54.12 ટકા મતદાન : 8 ડિસેમ્બરે થશે ફેંસલો કોની જીત, કોની હાર ?

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો ઉપર પ્રથમ તબકકાનું મતદાન ગઈકાલે યોજાયું હતું. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 60.01 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાની પાંચ બેઠકોના 45 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂકયું છે. મતદારોએ કોને પોતાની પસંદગીના નેતા તરીકે ધારાસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે ? તે તા. 8 ડિસેમ્બરે ફેંસલો સામે આવશે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું હતું. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતાં જ મતદાન મથકોએ મતદારોની લાંબી લાઈનો લાગી હતી. યુવાઓ, વડીલોએ, મહિલાઓ, સવારથી જ મતદાનને લઇ ઉત્સાહમાં જોવા મળ્યા હતાં. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો પ્રથમ એક કલાકમાં જ પાંચ વિધાનસભા બેઠક ઉપર 4.93 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બેઠક ઉપર મતદારોનો ભારે ઘસારો રહેતાં મતદાનની ટકાવારી વધતી જઈ રહી હતી. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડા, જામનગર ગ્રામ્યના રાઘવજીભાઈ પટેલ, જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશ અકબરી, મનોજ કથીરિયા, જામજોધપુરના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયા ઉપરાંત શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના રાજકીય અગ્રણીઓ, ઉમેદવારોની સાથે સાથે શહેરીજનોએ મતદાનની ફરજ નિભાવી હતી. લગ્નની સિઝન પણ ચાલી રહી હોય કેટલાંક મતદાન મથકોએ વરરાજા લગ્ન પૂર્વે મતદાન કરવા પહોંચ્યા હતાં અને લોકોને પણ મતદાન માટે પ્રેરિત કર્યા હતાં.

બપોરે 3 વાગ્યા સુધીમાં કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 44.13 ટકા, જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 49.37 ટકા, જામનગર ઉત્તર બેઠક ઉપર 43.10 ટકા, જામનગર દક્ષિણ બેઠક ઉપર 40.75 ટકા તથા જામજોધપુર બેઠક ઉપર 51.15 ટકા મતદાન નોંધાયું હતું. આમ પાંચ વિધાનસભાની બેઠકો ઉપર સરેરાશ 45.68 ટકા મતદાન નોંધાયું હતું.
બપોરે 3 વાગ્યા બાદ અંતિમ બે કલાકોમાં મતદારોની લાઈનો લાગી હતી. કેટલાંક મતદાન બુથ ઉપર પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું હોવા છતાં કતારમાં ઉભેલા લોકો માટે મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં કાલાવડ વિધાનસભામાં નોંધાયેલા 1,20,221 પુરૂષ મતદારો પૈકી 72709 તથા 1,13,103 સ્ત્રી મતદારો પૈકી 57248 એ મતદાન કર્યુ હતું. આમ કુલ, 55.70 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 1,30,083 પુરૂષ મતદારો પૈકી 88389 તેમજ 1,23,413 સ્ત્રી મતદારો પૈકી 73615 મતદાન કર્યુ હતું. આમ કુલ 63.91 ટકા મતદાન નોંધાયું હતું.

- Advertisement -

જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 1,34,765 પુરૂષ મતદારો પૈકી 82142 તેમજ 1,28,717 સ્ત્રી મતદારો પૈકી 70192 મતદાન કર્યુ હતું. આમ જામનગર ઉત્તર ઉપર કુલ 57.82 ટકા મતદાન નોંધાયું હતું.
જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 1,17,325 પુરૂષ મતદારો પૈકી 72530 તેમજ 1,13,405 સ્ત્રી મતદારો પૈકી 59611 મતદાન કર્યુ હતું. આમ જામનગર દક્ષિણ બેઠક ઉપર કુલ 57.27 ટકા મતદાન નોંધાયું હતું.
જામજોધપુર વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 1,17,042 પુરૂષ મતદારો પૈકી 82064 તેમજ 1,10,483 સ્ત્રી મતદારો પૈકી 66812 મતદાન કર્યુ હતું. આમ જામજોધપુર બેઠક ઉપર કુલ 65.43 ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠકો ઉપર કુલ 6,19,436 પુરૂષો પૈકી 397834 તેમજ 5,89,121 સ્ત્રી મતદારો પૈકી 327478 મતદારો એ મતદાન કરતા 60.01 ટકા મતદાન નોંધાયું હતું.

2017 વિધાનસભા ચૂંટણીમાં કાલાવડ બેઠક ઉપર 61.05 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કોંગ્રેસના પ્રવિણભાઇ મુસડિયાનો 32951 મતે વિજય થયો હતો. જ્યારે આ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 55.70 ટકા મતદાન નોંધાતાં 6 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. લગ્નની સિઝન સાથે જ્ઞાતિ આધારિત મતદાન થતું હોય, મતદાનમાં થયેલો ઘટાડો કોને નુકસાન કરે છે? કે કોને ફાયદો થાય છે? તે તા. 8 ડિસેમ્બરે જ સામે આવશે. ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસ પાસે હતી ત્યારે આ વર્ષે ઓછું મતદાન થયું હોય, પ્રજાએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે? તેને લઇ ઉમેદવારોમાં પણ અસંમજસની સ્થિતિ જોવા મળી રહી છે.

- Advertisement -

2017 વિધાનસભામાં જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 66.28 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વખતે 63.91 ટકા મતદાન થયું છે. આ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ અને આપની સાથે સાથે કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતાં બગાવત કરી બીએસપીમાંથી પણ કાસમ ખફીએ ચૂંટણી લડી હોય, આ બેઠક ઉપર ચતુષ્ટ કોણીય જંગ જોવા મળ્યો હતો. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારવિયા વલ્લભભાઇનો 6397 મતે વિજય થયો હતો. આ વખતે 2.37 ટકા જેટલું ઓછું મતદાન થયું હોય, ઓછા મતદાનમાં કોઇ એક ઉમેદવાર જાયન્ટ ક્લિર પણ સાબિત થઇ શકે છે.

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર 2017માં 65.50 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે 57.82 ટકા મતદાન નોંધાતાં અંદાજિત 8 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા 40,000થી વધુ મતોની લીડથી વિજેતા થયા હતાં. પરંતુ આ વખતે તેમની ટિકિટ કપાતા નવા ઉમેદવાર હોય, 8 ટકા જેટલું ઓછું મતદાન નોંધાતાં મતદાન પર અસર જોવા મળી છે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયા જંગમાં ત્રણેય ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે કોણ બાજી મારી જાય છે? તે જોવું રહ્યું.
જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. આમ છતાં આ વખતની ચૂંટણીમાં થયેલું ઓછું મતદાન ઉમેદવારોમાં ચિંતા વધારી છે. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ઉપર 64.55 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે આ વર્ષે 57.27 ટકા મતદાન થતાં અંદાજિત 7 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું છે. આ બેઠક પર ભાજપના કમિટેડ મતદારો હોય, ભાજપ આ બેઠક જાળવી રાખી શકે છે. ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપાના આર.સી. ફળદુનો 16349 મતે વિજયી થયો હતો.

જામજોધપુર વિધાનસભા બેઠક પર આ વખતે પાંચ વિધાનસભા બેઠકો પૈકી સૌથી વધુ મતદાન નોંધાયું છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 66.06 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે 65.43 ટકા મતદાન નોંધાયું છે. આમ, ગત વિધાનસભાની સાપેક્ષે નહિંવત ઘટાડો જોવા મળ્યો છે. મતદારોએ ગતવર્ષની જેમ આ વર્ષે પણ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો હતો. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટિદાર ફેકટરની અસર જોવા મળી હતી. આ વર્ષે આપ પણ મેદાનમાં હોય, ક્યોં ઉમેદવાર જાયન્ટ ક્લિર બને છે તે તા. 8 ડિસેમ્બરે સામે આવશે.

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર એકંદરે શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઇ અનિચ્છનિય ઘટના બની ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular