Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરવિકાસના નવા શિખરો સર કરવા ગુજરાત સજ્જ : મોદી

વિકાસના નવા શિખરો સર કરવા ગુજરાત સજ્જ : મોદી

પ્રધાનમંત્રી મોદીએ હાલારના ભાજપના 7 ઉમેદવારો માટે કર્યો પ્રચાર : નરેન્દ્ર, ભૂપેન્દ્ર કે ભાજપ નહીં પરંતુ ગુજરાતની જનતા લડી રહી છે ચૂંટણી : સાગર માલા પ્રોજેકટથી સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોના વિકાસના ખુલી જશે દ્વાર : પરંપરાગત મેડિસીન્સ ક્ષેત્રે વિશ્વમાં જામનગરનો ડંકો વાગશે

- Advertisement -

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જામનગર ખાતે વિશાળ જનમેદની ને સંબોધન કરતા જણાવ્યું હતું કે મેં સ્વપ્ન જોયું હતું કે મોરબી જામનગર અને રાજકોટનો પટ્ટો જબરો વિકાસ કરે. આજે આ શહેરો મોટી તાકાત બની ને ઊભા છે. જેને હજુ પણ આગળ વધારવા છે. એક સમયે સાયકલ પણ બનતી ન હતી ત્યાં આજે હવાઈ જહાજના પાર્ટ બને છે.

- Advertisement -

વિધાનસભાની જામનગરની પાંચ બેઠકો અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લાની બે મળીને હાલારની સાત વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર આવ્યા હતા. જામનગર- ખંભાળિયા ધોરી માર્ગે આયુર્વેદ રિસર્ચ સેન્ટરના મેદાનમાં યોજાયેલી જાહેર સભામાં તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં ચૂંટણી પ્રચાર અર્થે જવાનો અવસર મળ્યો હતો. ત્યારે લોકો કહેતા હતા કે તમે શું કામ મહેનત કરો છો. સરકાર ભાજપ ની જ બનવાની છે પરંતુ મેં જણાવ્યું હતું કે હું જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે આવ્યો છું .આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર કોઈ લડતું નથી. પરંતુ ગુજરાત ની જનતા ચૂંટણી લડી રહી છે.

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો ટાંકણે લક્ષ્મીજી ઘરે પધારે તે માટે ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે. ઘરને તોરણ બાંધવામાં આવે છે. લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ ગુજરાતમાં સમૃદ્ધિ લાવવી હોય તો રોડ, રસ્તા, પોર્ટ, એરપોર્ટ ટનાટન રાખવા પડે. ગુજરાત માં માળખાકીય સુવિધાઓ વધુ ભવ્ય બને મજબૂત બને તે માટે કામ ચાલી રહ્યું છે.તેથી લક્ષ્મી જી પણ અહીં જ આવવાનું મન કરે. ગુજરાતમાં શહેર હાઇ-વે જોડવાનું માહા અભિયાન ચાલે છે.

- Advertisement -

પ્રગતિપથ, વિકાસ પથ, કિસાન પથ અને પર્યટનની સંભાવનાઓ માટે ઉત્તમ સુવિધા ગુજરાતને આગળ વધારી રહ્યા છે.
જામનગરના વિકાસ અંગે તેમણે કહ્યું હતું કે અહીં ફલાયઓવર બ્રીજનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત જામનગર -કાલાવડ ફોર લેન રોડ બનવાનો છે. તેમજ સમુદ્રકાંઠાનો પણ સાગરમાલા યોજના દ્વારા વિકાસ થઈ રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સિગ્નેચર બ્રિજનું કામ ચાલી રહ્યું છે તો શિવરાજપુર બીચ મશહુર થઈ ચૂક્યો છે. દુનિયામાં ટુરીઝમનો તેજીથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ટુરીઝમને વેગ આપવામાં આવે છે. હવે દુનિયાના લોકોને ભારત જોવું છે વિદેશથી આવનારા ઓ ફક્ત આગ્રાનો તાજમહેલ જોઈને પરત જતા નથી પરંતુ ગુજરાત માં આવે છે. અહીં સરદાર સ્મારક જોવા માટે દુનિયાભરના લોકો લાઈન લગાવે છે. આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી પરંતુ આગામી 25 વર્ષના દેશનું ભવિષ્ય નક્કી કરવા માટેની છે. આ તકે તેમણે જામનગરના બાંધણી ઉદ્યોગ અને બ્રાસપાટ ઉદ્યોગને પણ પોતાના પ્રવચનમાં સ્થાન આપ્યું હતું.

મેં સપના જોયું હતું કે મોરબી, જામનગર અને રાજકોટનો પટો વિકાસ કરે. જે માટે કામ થઈ રહ્યું છે. વિકાસ હજી પણ આગળ વધારવો છે. એક સમયે સાયકલ પણ બનતી ન હતી ત્યાં આજે હવાઈ જહાજ બની રહ્યા છે. લઘુ ઉદ્યોગો ટકી રહે તે માટે સાડા ત્રણ લાખ કરોડનું ભંડોળ એમ એસ એમ ઈ ઉદ્યોગોને આપવાની વ્યવસ્થા કરી હતી. દુનિયાભરમાં નોકરીઓમાં છટણી કરવામાં આવતી હતી. ત્યારે અહીંના ઉદ્યોગો સતત ચાલતા રહ્યા હતા અને હવે તો એવો નિયમ બનાવી નાખવામાં આવ્યો છે કે 200 કરોડ સુધીના ટેન્ડરોમાં ઉપયોગમાં લેવાતી આઈટમ ભારતીય બનાવટની ઉપયોગમાં લેવાની રહેશે. એટલે કે તેનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આમ હવે સરકાર પણ ખરીદનાર બની છે.કારણ કે યુવા શક્તિ ઉપર ભરોસો છે.

- Advertisement -

આરોગ્ય વિષય ઉપર બોલતા તેમણે કહ્યું હતું કે ગરીબ પરિવારના બાળકોને ભાષાની અગવડતાને કારણે તબીબી શિક્ષણથી વંચિત રહે નહિ તે માટે એન્જિનિયરિંગ અને મેડિકલ નો શિક્ષણ માતૃભાષામાં મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતે ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. તેની ચર્ચાઓ તાજેતરમાં બાલી નામના દેશમાં યોજાયેલ સંમેલનમાં મેં સાંભળી હતી. દુનિયાભરના ડિજિટલ પેમેન્ટમાં 40 ટાકા હિસ્સો ફક્ત ભારતનો છે. જ્યારે બાકીના 60 ટકા ડિજિટલ પેમેન્ટમાં આખી દુનિયાનો સમાવેશ થાય છે. મોબાઈલ ફોન ગામડે ગામડે પહોંચ્યા છે. તેના ડેટા પણ સસ્તા કરવામાં આવ્યા છે. મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે ભારત દુનિયામાં બીજા નંબરનો દેશ છે. તેમણે પોતાના પ્રવચનમાં આરોગ્ય, પાણી, ખેતી, સિંચાઈ સહિતના પ્રશ્ર્નો સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીને ચીતાર પણ આપ્યો હતો.

આયુર્વેદ ક્ષેત્રમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયામાં ડંકો વગાડશે અને તેનું રિસર્ચ સેન્ટર જામનગરમાં આકાર પામનાર છે સામે તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કોંગ્રેસ ને આડે હાથ લેતા જણાવ્યું હતુ કે તેમના શાસન માં આસુરક્ષા, અશાંતિ, વોટબેન્ક ની રાજનીતિ આ પ્રકારનું જ બધું ચાલતું હતું. સેના ના હાથ બાંધી રાખવામાં આવતા હતા. જ્યારે વર્તમાન સરકાર દુશ્મનો સામે આંખ લાલ કરીને જવાબ આપે છે. પોતાના પ્રવચનના અંતમાં તેમણે જણાવ્યું હતું સૌ ની યોજના જાહેર થઈ ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા એ સમયે પાણી માટે લોકોને આંખમાં પાણી આવી જતા હતા જ્યારે આજે લોકોને આંખ સામે પાણી દેખાય છે. વીજળી, પાણી, સડક સહિતની સુવિધાને કારણે દુનિયાભરના ઉદ્યોગો અહીં આવે છે અને અંતમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે આપ લોકોને જઈને કહેશો કે વડાપ્રધાન નહિ પણ આપણા નરેન્દ્રભાઈ જામનગરમાં આવ્યા હતા. કારણ કે મારે દરેક વડીલોના આશીર્વાદ લેવા છે. આમ તેઓ એ લગભગ 30 મિનિટનું ભાષણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ પ્રભારી અભયસિહજી, પ્રદેશ મોરચાના અધ્યક્ષ પ્રશાંત ભાઈ કોરાટ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ ધારાસભ્ય આર.સી.ફળદુ સાહેબ, પૂર્વ ધારાસભ્ય મંત્રી વસુબેન ત્રિવેદી, પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ ધારાસભ્ય 77,78,79 વિધાનસભાના ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, 77 વિધાનસભાના ઉમેદવાર રાધવજી પટેલ, 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા જાડેજા, 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, 76 વિધાનસભાના મેધજીભાઈ ચાવડા, 82 વિધાનસભાના પબુભા માણેક, 80 વિધાનસભાના ચીમનભાઈ સાપરીયા, 81 વિધાનસભાના મૂળુ ભાઈ બેરા, દ્વારકા જીલ્લાનાના પ્રમુખ ખીમાભાઇ જોગલ, જામનગર જિલ્લા સંગઠન અધ્યક્ષ રમેશભાઇ મુગરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, સહીત વિશાળ સંખ્યામાં હોદેદારો, કાર્યકર્તાઓ સહીત જનમેદની ઉપસ્થિત રહેલ. સભાનું સફળ સંચાલન શહેર સંગઠન મહામંત્રી મેરામણભાઇ ભાટુ તથા જિલ્લા સંગઠન મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ કરેલ, આભારવિધિ ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા દ્વારા કરવામાં આવેલ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular