અમેરિકામાં વર્જિનિયાના ચેસાપીકમાં વોલમાર્ટ સ્ટોરમાં સામૂહિક ગોળીબારમાં 10 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ચેસાપીક પોલીસે વોલમાર્ટમાં કથિત સક્રિય શૂટરને પકડવાના પ્રયાસો કર્યા અને તેના પર ફાયરિંગ કર્યું હતું. ચેસપીક પોલીસ વિભાગનું કહેવું છે કે, લગભગ 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ બિલ્ડિંગ ની તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે ગોળીબાર કરનાર માર્યો ગયો છે પરંતુ લોકોને હાલ બિલ્ડિંગથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે રાત્રે 10:12 વાગ્યે ફાયરિંગની માહિતી આપતો કોલ આવ્યો હતો. વોલમાર્ટ સ્ટોરની બહાર ભારે પોલીસ ફોર્સ હજુ પણ તૈનાત છે. આ સાથે 40થી વધુ ઈમરજન્સી વાહનોને પણ ઈમારતની બહાર તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.