ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓએ મંગળવારે બીજા તબક્કાની 93 બેઠકોમાં જાહેર સભાઓની હારમાળા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા 3 દિવસોમાં 16 રેલીઓ સંબોધી હતી અને મંગળવારે 1 દિવસના વિરામ પછી આજથી ચૂંટણી રેલીઓનો વધુ એક રાઉન્ડ શરૂ કર્યો છે. તેઓ મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગર, પાલનપુર, દહેગામ, માતર અને ધોળકામાં બુધવારે જાહેર સભાઓ સંબોધશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની બેઠકોમાં વડાપ્રધાન 35 રેલીઓને સંબોધશે તેવું પક્ષના એક સીનીયર નેતાએ કહ્યું હતું.
મંગળવારે જાહેર સભાઓને સંબોધનાર નેતાઓમાં ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, આસામના મુખ્યપ્રધાન હિમંત બિશ્વા સરમા, કેન્દ્રિય પ્રધાનો પુરૂષોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા સામેલ છે. ગયા અઠવાડીયે ભાજપાના ટોચના રાષ્ટ્રીય નેતાઓએ પ્રથમ તબકકામાં આવતી બેઠકોમાં વિભીન્ન જગ્યાઓએ રેલીઓ સંબોધી હતી.