જામનગરમાં સીટી એ ના પીઆઇ એમ. જે. જલુ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા સોની વેપારીને અરજીમાં ગુનો કબૂલ કરવા બેફામ માર માર્યો હોવાના કેસમાં અદાલત દ્વારા પીઆઇ સહિતના સ્ટાફ વિરૂધ્ધ સમસ્ત હુકમ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં પ્રિન્સ ઇલેકટ્રીક અને મોબાઇલના નામથી વેપાર કરતા ઇકબાલ ઇબ્રાહીમ ખીરાને જામનગરની અદાલતમાં જામનગર સીટી એ પીઆઇ એમ. જે. જલુ સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ કે તા.20-3-2022ના ફરિયાદીને સીટી એ પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઇ જઇ માર મારી ઇલેકટ્રીક શોક આપેલ તથા કીરીટ રાધનપુરા સોનીએ કરેલ અરજીમાં ગુનો કબૂલ કરવા બેફામ માર માર્યો હતો. ત્યારબાદ સાંજે પી.આઇ. જલુ દ્વારા ચેમ્બરમાં ગુનો કબૂલ કરવા માટે દોરડા તથા હથકડીથી બાંધી ઢીકા-પાટુ તથા પટ્ટા વડે માર મારી હાથની આંગળીમાં ઇલેકટ્રીક શોક આપી લોક-અપમાં પૂરી દીધા હતાં.
ત્યારબાદ બીજા દિવસે ફરી ઇલેકટ્રીક શોક આપી 8 લાખના ચેક લખી આપવા દબાણ કરી ત્રીજા દિવસે ફરિયાદીને આઇસીઆઇસીઆઇ બેંકે લઇ જઇ કોરા ચેકો લેવડાવી પોલીસ સ્ટેશને લઇ જઇ બળજબરી પૂર્વક કીરીટ સોનીના નામના ચાર-ચાર લાખના બે ચેકો લખાવ્યા હતા અને આ ચેક પાસ નહીં થાય તો ગમે તે ગુનામાં ફીટ કરી દેશુ અને ફરિયાદ કરીશું તો ખૂન કરાવી નાખશુંની ધમકી આપી હતી. ફરિયાદીએ જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ આ અંગે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી.
આ ફરિયાદમાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ફરિયાદી દ્વારા અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીના વકીલની રજૂઆત ધ્યાને લઇ જામનગરના ચોથા એડીશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એમ. ડી. નંદાણિયા દ્વારા પી.આઇ. એમ. જે. જલુ સહિતના સ્ટાફ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરવા તથા ફરિયાદના ફોજદારી કેસ રજિસ્ટરે લેવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ નિખીલ બી. બુધ્ધભટ્ટી તથા પાર્થ ડી. સામાણી રોકાયા છે.