દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ સાંજે 7.30 કલાકે વલસાડમાં સભા સંબોધવાના છે. તો કાલે સૌરાષ્ટ્રમાં પ્રચારનું વાવાઝોડુ સર્જવાના છે. રવિવારે સવારે વડાપ્રધાન સોમનાથમાં પુજા કરી સભા સંબોધવાના છે. તે બાદ ધોરાજી, અમરેલી અને બોટાદમાં જાહેરસભાનું આયોજન ભાજપના ચૂંટણી પ્રચાર માટે કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. વડાપ્રધાન ત્રણ દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન મોદીએ સંભાળી છે.
વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતમાં દક્ષિણથી શરૂ થશે. વડાપ્રધાન મોદી આજે સાંજે 7-30 કલાકે વલસાડમાં જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન રાત્રી રોકાણ પણ અહીં કરવાના છે. જ્યારે રવિવારે વડાપ્રધાન સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે ત્યાર બાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી વેરાવળમાં સવારે 11 કલાકે , ધોરાજીમાં બપોરે 12-45 કલાકે, અમરેલીમાં બપોરે 2-30 કલાકે અને બોટાદમાં સાંજે 6-15 કલાકે સભા કરશે.
આ પછી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાન સોમવારે ત્રણ સભાઓને સંબોધિત કરશે. સુરેન્દ્રનગરમાં બપોરે 12 કલાકે જનસભા સંબોધિત કરશે જ્યારે બપોરે 2 કલાકે જંબુસરમાં અને સાંજે 4 કલાકે નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે. સોમવારનો કાર્યક્રમ હજુ ફાઇનલ થઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદી ગુજરાતમાં’ 30 રેલીઓ અને રોડ શો કરે તેવું આયોજન કર્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ 30થી વધુ રેલી કરી હતી. તા.21ના સુરેન્દ્રનગરમાં પણ તેમની સભા ગોઠવાઇ રહી છે.
વડાપ્રધાન મોદી આજે અરૂણાચલ પ્રદેશ અને ઉતરપ્રદેશમાં પોતાના લોકસભા મત વિસ્તાર વારાણસીના કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી સાંજે દમણ પહોંચશે. વડાપ્રધાન મોદી વાપીમાં દોઢ કિ.મી. લાંબો રોડ-શો યોજી જનતાનું અભિવાદન ઝીલશે અને ત્યારબાદ વલસાડમાં જંગી જાહેરસભા સંબોધશે. વડાપ્રધાને મોડી સાંજે ટ્વીટ કરીને શનિવારે તેઓ વલસાડમાં પ્રચારસભા સંબોધશે એમ કહી ગુજરાતમાં વિકાસને કારણે ભાજપને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને વિરોધીઓનો ગુજરાત વિરોધી એજન્ડા જનતાએ ફગાવી દીધો છે એમ જણાવ્યું છે.
ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી જાહેર કર્યાના બે દિવસ બાદ વડાપ્રધાને 6 નવેમ્બરે વલસાડના નાના પૌંઢા ખાતે આદિવાસી સમુહની જંગી સભાને સંબોધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. વડાપ્રધાને એ સભામાં જ ગુજરાતની જનતા અને કાર્યકરોનો હાંકલ કરી હતી કે, આ વખતની ચૂંટણી ગુજરાતના ભાઇ-બહેનો જ લડી રહ્યા છે. આ ચૂંટણીમા મારે જ મારા તમામ રેકોર્ડ તોડવાના છે. ગત માર્ચ મહિનાથી વડાપ્રધાને ગુજરાતમાં દર મહિને બેથી ત્રણ દિવસના પ્રવાસો યોજી સાથોસાથ દિલ્હીમાં નરેન્દ્રભાઇ અને ગુજરાતમાં ભુપેન્દ્રભાઇ એમ ડબલ એન્જીનની સરકારના કેવા ફાયદા થાય છે એનાથી જનતા અવગત કરવા પ્રયાસ કર્યો હતો.