જામનગર શહેર અને જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં શાંતિપૂર્ણ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચૂંટણીમાં શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે લોકો મતદાન કરી શકે તે માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને તેના સ્ટાફ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા શખ્સો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તેમજ શહેર અને જિલ્લામાં જુદાં-જુદાં વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે. દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી વરુણ વસાવા, પીઆઈ એમ.ડી. ગજ્જર, જી.જે.ગામીત તથા પીએસઆઈ વાળા, ગામેતી તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ સીએપીએફએસની ટૂકડીઓ દ્વારા શહેરના દરબારગઢ, પાંચ હાટડી, ગુજરાતી વાડ, પટણીવાડ, કોળીવાસ, ખટકીવાડો, ભોયવાડો, વાઘેરવાડો, મોતીસાર, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિક્ષકે લોકોને મળી રૂબરૂ વાતચીત કરી હતી.