જામનગર જિલ્લાની પાંચ સહિત રાજ્યની 182 બેઠકો માટે વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર થયા બાદ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આગામી તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જામનગર અને દ્વારકાની સાત સહિત રાજ્યની 89 બેઠકોમાં ઉમેદવારીપત્ર ભરાયા બાદ ચકાસણી થઇ ગઇ છે અને હવે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
જામનગર જિલ્લાની પાંચ બેઠકો પૈકીની શહેરની 78 અને 79 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિપેન્દ્રસિંહ જાડેજા અને મનોજ કથિરીયા આજે ખબર ગુજરાતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. બન્ને ઉમેદવારોની સાથે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા, મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ અને જામનગર શહેરના કોંગ્રેસ પ્રભારી રાજેન્દ્રસિંહ પેસટીજી તથા વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચના નંદાણિયા, વોર્ડ નં. 12ના કોર્પોરેટર જેનબબેન ખફી અને વોર્ડ નં. 1ના કોર્પોરેટર નુરમામદ પલેજા તથા નગર શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસીના મહામંત્રી સુભાષભાઇ ગુજરાતી હાજર રહ્યાં હતાં.
78ના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા સ્વચ્છ પ્રતિભા ધરાવતાં અને પ્રજાના પ્રશ્ર્નોને અડધી રાત્રે જાગતા લોક સેવક તથા વેપારી યુવાન છે. તેમજ વર્ષ 2019થી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે સેવા આપે છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ (રાજકોટ)ના કાર્યવાહક પ્રમુખ તરીકે સેવા આપે છે. ઉપરાંત એનએસયુઆઇના પૂર્વપ્રમુખ પણ રહી ચૂકયા છે. જામનગરની પ્રજા બિપેન્દ્રસિંહને કોરોનાકાળ, ધરતીકંપ, અતિવૃષ્ટિ વિગેરે આફતોના સમયમાં તેમની સેવાઓને આજેપણ જામનગરની પ્રજા યાદ કરે છે. એવા કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહે ખબર ગુજરાતને જણાવ્યું હતું કે, અમે સેલિબ્રિટી નથી, સામાન્ય માણસ છીએ જેથી પ્રજાની વચ્ચે જઇ ડોર ટુ ડોર સંપર્ક અભિયાનમાં પ્રજાનું જબરૂ સમર્થન મળી રહ્યું છે. રાજ્યના વેપારીઓને જીએસટીમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમ છતાં વેપારીઓને સરકાર દ્વારા કનડગત કરવામાં આવે છે. અમે પ્રત્યેક વ્યક્તિને 10 લાખની મફત સારવાર યોજના, વિના મૂલ્યે તમામ દવાઓ, ખેડૂતોનું 3 લાખનું દેવુ માફ, વિજળીના બિલ માફ, ઘર વપરાશની વિજળીમાં 300 યુનિટ માફ, રાજ્યના 10 લાખ યુવક અને યુવતિઓને સરકારી નોકરીમાં ભરતી, સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરશું ઉપરાંત બેરોજગાર યુવક-યુવાનોને રૂા. 3 હજારનું માસિક ભથ્થુ, સરકારી કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના ફરીથી લાગુ, દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર રૂા. 5ની સબસીડી, રૂા. 500માં ઘરેલુ ગેસ સિલિન્ડર, કોરોનામાં મૃતકોના પરિવારને 4 લાખની સહાય, ભ્રષ્ટાચાર વિરોધ કાયદો, ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી જેવા વચનો આપ્યા છે.
તેમજ 79-વિધાનસભામાં પ્રથમ વખત કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા મનોજભાઇ ગોરધનભાઇ કથિરીયાએ કોંગ્રેસ પક્ષ વર્ષોથી પ્રજાની સેવા માટે જ વરેલો છે અને કોંગ્રેસે આટલા વર્ષોથી કરેલા પ્રજાલક્ષી કાર્યોને કારણે અને હાલની સરકાર દ્વારા મોંઘવારીનો માર, બેરોજગારી, જીએસટીમાં વેપારીઓને કનડગત, પ્રોફેસનલ ટેકસ નાબુદ કરવા જેવા મુદ્ાઓથી પ્રજા ત્રાહિમામ થઇ ગઇ છે અને આ વિધાનસભામાં ભાજપ જાય છે અને કોંગ્રેસ આવે છે.