Monday, December 30, 2024
Homeખબર સ્પેશીયલવર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં હાલારમાં 101 ઉમેદવારોએ ગુમાવી ડિપોઝિટ

વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં હાલારમાં 101 ઉમેદવારોએ ગુમાવી ડિપોઝિટ

વર્ષ 2017માં હાલારમાં 115 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં હતાં : વર્ષ 2012માં હાલારમાં 93 ઉમેદવારો પૈકી 78 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાનું મતદાન આગામી તા.1 ડિસેમ્બરના યોજાનાર છે. ગઈકાલે પ્રથમ તબકકાની ચૂંટણી માટે મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો ગઈકાલે અંતિમ દિવસો હતો. તા.17 ના રોજ ફોર્મ પરત ખેંચાયા બાદ ઉમેદવારોનો આંકડો સામે આવશે. આ વર્ષે ભાજપા – કોંગે્રસ મુખ્ય બે પક્ષોની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ત્રિ-પાંખીયા જંગની સાથે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હશે. ત્યારે આ ચૂંટણી જંગમાં કોણ મેદાન મારે છે અને કોની ડિપોઝિટ જપ્ત થશે ? તે આગામી 8 ડિસેમ્બરના મત ગણતરી બાદ ખ્યાલ આવશે. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં હાલારમાં 101 ઉમેદવારો એવા હતા કે જેમણે ડિપોઝીટ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે વર્ષ 2012માં 78 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. આમ 2012 કરતા 2017 ની વિધાનસભા ચૂંટણીમાં  23 ઉમેદવારોએ વધુ ડિપોઝીટ ગુમાવી હતી. ત્યારે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં હજુ આ આંકડામાં વધારો થાય છે કે શું ? તા.8 ડિસેમ્બર બાદ સામે આવશે.

- Advertisement -

હાલમાં ગુજરાત વિધાનસભા-2022 ની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપા-કોંગે્રસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ પક્ષમાં આંતરિક અસંતોષનો ચરુ પણ જોવા મળ્યો હતો. જેને લઇ કયાંક પક્ષના દાવેદારોએ પક્ષમાંથી રાજીનામા આપી પક્ષ પલ્ટો પણ કર્યો અને અપક્ષ દાવેદારીઓ પણ નોંધાવી ત્યારે આ બળવાખોર દાવેદારો કેટલું પક્ષને નુકસાન પહોંચાડે છે કે પછી તેનો પક્ષને ફાયદો થાય છે અને ઉમેદવારોની ડિપોઝીટ ગુમ થાય છે તે જોવું રહ્યું.

વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર જિલ્લાની પાંચ બેઠકો અને હાલારની બે બેઠકોમાં ડિપોઝીટ ગુમાવનાર ઉમેદવારો ઉપર નજર કરીએ તો  2012 ની વિધાનસભા ચૂંટણીમાં હાલારમાં કુલ 93 ઉમેદવારો મેદાનમાં હતાં જે પૈકી 78 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં 76 કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 12 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતાં. જેમાંથી અંતે 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં હતાં. જે પૈકી 4 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં 35 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતાં. જેમાંથી 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાનમાં રહ્યાં હતાં. જે પૈકી 14 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 78 જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 35 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતાં. જેમાં આખરે 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહયાં હતાં. જે પૈકી 11 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 79 જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં 27 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જેમાંથી અંતે 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં હતાં. જે પૈકી 12 ઉમેદવારોને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. 80 જામજોધપુર વિધાનસભા બેઠકમાં 25 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતાં. જે પૈકી 10 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહ્યાં હતાં તેમાં પણ આઠ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.

- Advertisement -

81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં 32 ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા હતાં. જેમાંથી 17 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહ્યાં હતાં. જે પૈકી 15 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થવાનો વારો આવ્યો હતો. 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાં 25 ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા હતાં. જે પૈકી 16 ઉમેદવારો રહયાં હતાં. તેમાંથી 14 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.

વર્ષ 2017 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં હાલારમાં સાત બેઠકો ઉપર 115 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતાં જે પૈકી 101 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. જેમાં 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં 13 ઉમેદવારોએ  ઉમેદવારી પત્રો ભર્યા હતાં. જે પૈકી 9 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહયા હતાં. જેમાંથી 7 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં 35 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતાં. જેમાંથી  27 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં હતાં. જે પૈકી 25 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. 78-જામનગર ઉત્તર વિધાનસભામાં 33 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતાં. જેમાંથી 24 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતાં જે પૈકી 22 ઉમેદવારોની જપ્ત થઈ હતી. 79 જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં 37 ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા હતાં. જેમાંથી 10 ચૂંટણી જંગમાં રહ્યાં હતાં તે પૈકી 8 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં 23 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જેમાંથી 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો. જે પૈકી 10 ઉમેદવારોની  ડિપોઝીટ જપ્ત થઈ હતી.

- Advertisement -

81-ખંભાળિયા વિધાનસભામાં 28 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતાં. જેમાંથી 20 ચૂંટણી જંગમાં મેદાને રહ્યાં હતાં. જે પૈકી 18 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 82-દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 21 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતાં. જેમાંથી 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં હતાં. જે પૈકી 11 ઉમેદવારોને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

–સૂચિત બારડ (ખબર ગુજરાત)

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular