ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ પોતાની સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો દાન કરવાની યોજના બનાવી રહ્યા છે. વિશ્વના મોટા અબજોપતિઓમાં સામેલ જેફ બેઝોસે જણાવ્યું કે, તેઓ પોતાની સંપત્તિ જળવાયુ પરિવર્તન નો સામનો કરવા અને અસમાનતાને ઘટાડવા માટે દાન કરશે.
જેફ બેઝોસની સંપત્તિ 124 અબજ ડોલર છે અને તેઓ વિશ્વના ચોથા સૌથી ધનિક અબજપતિ છે. એમેઝોનના ફાઉન્ડર બેઝોસને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમે તમારી મોટાભાગની સંપત્તિ દાન કરવાની ઈચ્છા રાખો છો? તેના જવાબમાં તેમણે કહ્યું કે, હા. મારી ઈચ્છા છે. તેમણે પૈસા ક્યાં ખર્ચવા કે દાનમાં આપશે તે અંગે વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો પરંતુ તે કેવી રીતે ખર્ચવામાં આવશે તે સ્પષ્ટ કર્યું હતું. બેઝોસે જણાવ્યું કે, તે અને તેમના સાથી લોરેન સાંચેજ આ પૈસાને ખર્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. જેફ બેઝોસ એક સમયે સૌથી ધનિક અબજપતિ હતા. 1994માં તેમણે એમેઝોનની સ્થાપના કરી હતી. તેમણે 2021માં એમેઝોનના મુખ્ય કાર્યકારી તરીકેનું પદ છોડી દીધુ હતું પરંતુ તેના બોર્ડના અધ્યક્ષ બની રહ્યા છે. તેઓ વોશિંગ્ટન પોસ્ટ સમાચાર અને અતંરિક્ષ પર્યટન કંપની બ્લૂ ઓરિજિનના પણ માલિક છે.