દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે એક મોટા રાહતના સમાચાર મળ્યા છે અને જથ્થાબંધ ફુગાવો સતત 18 માસ બાદ પ્રથમ વખત સીંગલ ડીજીટમાં આવ્યો છે. ગઇકાલે જાહેર થયેલા આંકડા મુજબ હોલસેલ પ્રાઇઝ ઇન્ડેકસ ઓક્ટોબર 2022માં 8.39 ટકા નોંધાયો છે જે એપ્રિલ-2022 બાદ સૌથી વધુ નીચો આવ્યો છે. ગત મહિને જથ્થાબંધ ફુગાવો 10.17 ટકા હતો ખાસ કરીને ખરીફ મોસમના પાકો બજારમાં આવવાથી ખાદ્ય ફુગાવા પર દબાણ આવ્યું છે.જો કે આ ફુગાવો હજુ જથ્થાબંધ ભાવોનું પ્રતિનિધિત્વ કરે છે અને છૂટક ફુગાવા પર હવે તેની કેટલી અસર પડશે તે આગામી સમયમાં જોવા મળશે. ખાસ કરીને મિનરલ ઓઇલ, બેઝીક મેટલ સહિતના ઉત્પાદનના ભાવમાં ઘટાડો થતા જથ્થાબંધ ફુગાવો નીચે આવ્યો છે. ક્રૂડ પેટ્રોલીયમ અને નેચરલ ગેસનો ફુગાવો ઓક્ટોબર 2022માં 43.57 ટકા નોંધાયો છે જે ઓક્ટોબર, 2021માં 86.36 ટકા હતો. ઉત્પાદન ક્ષેત્રમાં પણ ફુગાવામાં ઢીલાશ આવી છે અને તે 4.42 ટકા નોંધાયો છે અને આ રીતે લગભગ 18 માસ બાદ જથ્થાબંધ ફુગાવામાં ઘટાડાને કારણે મોંઘવારીમાં રાહત મળે તેવી શક્યતા નકારાતી નથી.