દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ખંભાળિયા તથા દ્વારકા બેઠક પર ગઈકાલે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ ત્રણ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો ઉપરાંત અપક્ષોએ પણ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.
ખંભાળિયા વિધાનસભા મત વિસ્તાર માટે ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા, કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈશુદાનભાઈ ગઢવીએ તેમના વિશાળ સંખ્યામાં ટેકેદારોની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સમક્ષ તેમના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ પૂર્વે ઉમેદવારો દ્વારા વિશાળ સંખ્યામાં સમર્થકો ટે કેદારો એકત્ર કરી, શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાના ફોર્મ ભરવા પ્રસંગે તેમજ ભગવતી હોલમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ અને ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્થિતીને સૂચક માનવામાં આવી રહી છે. જેનો સીધો પ્રભાવ મતદાન પર પડશે તે બાબત ચોક્કસપણે માની શકાય.
આ ઉપરાંત દ્વારકા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર પબુભા માણેક, કોંગ્રેસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરીયા તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણભાઈ નકુમે તેમની દાવેદારી પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા સમક્ષ નોંધાવી હતી. ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર માટે 21 ઉમેદવારોના 31 ઉમેદવારી પત્રો જ્યારે દ્વારકા વિધાનસભા બેઠક માટે 17 ઉમેદવારો માટે કુલ 23 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. આમ, જિલ્લાની બંને બેઠકો મળી કુલ 54 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત બંને બેઠક પર અપક્ષ ઉમેદવારોએ પણ તેમના નામાંકન રજૂ કર્યા હતા. આ ઉમેદવારી પત્રોની આજરોજ મંગળવારે ફોર્મ ચકાસણી તેમજ તા. 17 ના રોજ ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. આ દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોએ તેઓના ચૂંટણી કાર્યાલયો શરૂ કરી દીધા છે અને પ્રચાર કાર્ય ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે.