લાલપુર તાલુકાના પડાણા ગામમાં બાવળની ઝાડીમાં પડી જતાં પંજાબના યુવકનું ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી યુવતીને પેટમાં દુ:ખાવો ઉપડતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના રિયાદા ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા ગુરૂસેવક સતનામસિંગ (ઉ.વ.21) નામનો યુવક શુક્રવારે આશાપુરા હોટલ પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં પડી જતાં મોઢામાંથી લોહી નિકળતા ઘવાયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ગુરૂવિંદરસિંગ દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા આરતીબેન વિજયભાઈ ગુજરાતી (ઉ.વ.23) નામની યુવતીને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે પેટમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ગીતાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.