Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાલારની 6 બેઠકોના ભાજપાના ઉમેદવારોની સંપૂર્ણ વિગતો

હાલારની 6 બેઠકોના ભાજપાના ઉમેદવારોની સંપૂર્ણ વિગતો

કાલાવડ બેઠક ઉપર પૂર્વધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર ગ્રામ્ય બેઠક ઉપર સિટીંગ ધારાસભ્ય અને કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ બેઠક ઉપર દિવ્યેશ અકબરી, જામજોધપુર બેઠક ઉપર પૂર્વધારાસભ્ય ચિમનભાઇ શાપરીયા તથા દ્વારકા બેઠક ઉપર પબુભા માણેકને ઉમેદવાર જાહેર કરાયા

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. આગામી તા. 1 ડિસેમ્બરના રોજ જામનગર સહિત સૌરાષ્ટ્રની બેઠકો ઉપર મતદાન યોજાનાર છે. ત્યારે આજરોજ ભાજપા દ્વારા 160 બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોના નામની જાહેરાત થતાં અટકળોનો અંત આવ્યો હતો. ખાસ કરીને જામનગરની વાત કરીએ તો કાલાવડ બેઠક ઉપર પૂર્વધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. તો જામનગર ગ્રામ્ય બેઠક ઉપર અગાઉ કૃષિમંત્રી અને શિટીંગ ધારાસભ્ય રાઘવજી પટેલ જામનગર ઉત્તર બેઠક ઉપર રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ બેઠક ઉપર દિવ્યેશ અકબરી, જામજોધપુર બેઠક ઉપર ચિમનભાઇ શાપરીયા તથા દ્વારકા બેઠક ઉપર પબુભા માણેકને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખંભાળિયાની બેઠક ઉપર ભાજપા દ્વારા હજૂ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

- Advertisement -

આગામી તા. 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા યોજાનાર છે. પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવવાને હવે ચાર જ દિવસની વાર છે ત્યારે ગઇકાલે દિલ્હીમાં મોડીરાત્રી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી. નડ્ડા સહિતના મહાનુભાવો દ્વારા મોડીરાત્રી સુધી ઉમેદવારોની યાદીને લઇ મનોમંથન કર્યા બાદ આજે ગુજરાતના ભાજપાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક વિધાનસભા બેઠક ઉપર ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભાની બેઠક ઉપર હજૂ સુધી ભાજપા દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

જામનગર જિલ્લાની 76-કાલાવડ વિધાનસભા બેઠક ઉ5ર ભાજપા દ્વારા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાને ફરી એક વખત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છ. મેઘજીભાઇ ચાવડા કાલાવડ બેઠક ઉપર વર્ષ 2012થી 2017 દરમિયાન ધારાસભ્ય રહી ચૂકયા છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક ઉપર ભાજપા દ્વારા હાલના ધારાસભ્ય અને કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. રાઘવજીભાઇ પટેલ અગાઉ કોંગ્રેસ-ભાજપ સહિતના પક્ષોમાંથી પાંચ વખત ધારાસભ્ય પદે રહી ચૂકયા છે. તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપામાં જોડાયા હતાં અને ધારાસભ્યપદે ચૂંટાયા હતાં. ત્યારબાદ તાજેતરમાં ભૂપેન્દ્રભાઇ પટેલના મંત્રી મંડળમાં તેમની કેબિનેટ કૃષિમંત્રી બનાવવામાં આવ્યા હતાં. જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા પ્રકાશ ડોંગાના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા હજૂ સુધી જામનગર ગ્રામ્ય બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરાયા નથી.

- Advertisement -

78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા સૌપ્રથમ વખત રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજાના પત્નિ રિવાબા સૌપ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપા દ્વારા જામનગર ઉત્તર બેઠક ઉપર રિવાબાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે જામનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસ દ્વારા પણ ક્ષત્રિય સમાજની વોટ બેંકને ધ્યાને લઇ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કરાયા છે. તો આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક ઉપર જામનગર શહેર પ્રમુખ કરશનભાઇ કરમુરને ઉમેદવાર જાહેર કરાયા છે. આથી જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર મુખ્યત્વે રિવાબા જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા અને કરશન કરમુર વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે.

79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવ્યેશભાઇ અકબરીને ઉમેદવારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. દિવ્યેશ અકબરી સૌપ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ જામનગર મહાનગરપાલિકામાં બે વખત કોર્પોરેટર તરીકે રહી ચૂકયા છે. તેમજ મહાનગરપાલિકામાં સ્ટે. કમિટી ચેરમેન, દંડક સહિતની જવાબદારીઓ સંભાળી ચૂકયા છે. આ બેઠક ઉપર કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા હજૂ સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.

- Advertisement -

80-જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપા દ્વારા પૂર્વધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ કૃષિમંત્રી ચિમનભાઇ શાપરીયાને ઉમેદવાર જાહેર કરાયા છે. ચિમનભાઇ શાપરીયા અગાઉ ચાર વખત ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે. તેમજ સરકારમાં કેબિનેટ કૃષિમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂકયા છે. ભાજપા દ્વારા ફરી વખત તેમના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે અને આગામી વિધાનસભા 2022ની ચૂંટણી માટે તેમને ધારાસભ્યપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

82-દ્વારકા વિધાનસભા બેઠક ઉપર ભાજપા દ્વારા પૂર્વધારાસભ્ય અને દ્વારકાના ભામાશા ગણાતા પબુભા વિરમભા માણેકને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પબુભા અગાઉ અપક્ષ, ભાજપા તથા કોંગ્રેસ સહિતના પક્ષોમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી ચૂકયા છે અને સાત વખત ધારાસભ્યપદે રહી ચૂકયા છે. વર્ષ 1990થી તેઓ દ્વારકા વિધાનસભા બેઠક ઉપર વિવિધ પક્ષોમાંથી તેમજ અપક્ષ પણ ધારાસભ્યપદે ચૂટાઇ ચૂકયા છે અને દ્વારકાના ભામાશા તરીકે જાણીતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular