મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક જાહર હિતની રિટ અરજી દાખલ થઇ છે. આ પીઆઇએલમાં મોરબી પુલ તૂટી પડવાની સમગ્ર દુર્ઘટનાને લઇ મેજિસ્ટેરીયલ તપાસ કરાવવા અને ભોગ બનેલા લોકોના પરિવિારજનોને રૂ.25-25 લાખ વળતર પેટે ચૂકવવા દાદ માંગવામાં આવી છે. પીઆઇએલમાં રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. હોનારતમાં ભોગ બનેલા લોકોના પરિજનોને રૂ.25 લાખ અને ઘાયલોને રૂ.પાંચ લાખનું વળતર ચૂકવવા દાદ મંગાઇ મોરબી ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મોરબી દુર્ઘટના મામલે સુઓમોટો વ્યુ લઇ જાહેરહિતની રિટ દાખલ કરી હતી અને સરકાર સહિતના સત્તાધીશોને નોટિસ જારી કરી જવાબ અને તપાસનો સ્ટેટ્સ રિપોર્ટ માંગતો હુકમ કર્યો હતો. બીજબાજુ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે આજે વધુ એક જાહેર હિતની રિટ અરજી હાઇકોર્ટમાં દાખલ થઇ હતી. જેની સુનાવણી હવે હાથ ધરાશે.
અરજદારપક્ષ તરફથી જણાવાયું હતું કે, મોરબી ઝુલતા પુલના રિપેરીંગ અને રિનોવેશન માટે આઠ મહિના સુધી બંધ રખાયો હતો. દરમ્યાન તા.7-3-2022ના રોજ મોરબી નગરપાલિકા અને અજન્ટા મેન્યુફેકચરીંગ પ્રા.લિ. વચ્ચે આ પુલને લઇ મહત્ત્વનો કરાર થયો હતો.
નોંધનીય વાત એ છે કે, આ ગુ્રપને રોડ, બ્રીજ કે બિલ્ડીંગ બનાવવાનો કે તેની જાળવણી અને રિનોવેશન અંગેનો કોઇ અનુભવ નહી હોવાછતાં નગરપાલિકા સત્તાધીશોએ કોઇપણ ટેન્ટર જારી કર્યા વિના બારોબાર જ આ ગુ્રપને કામ આપી દીધુ હતું. અજન્ટા કંપની એ ઓરેવા ગુ્રપનો જ હિસ્સો છે કે જેને પણ આવો કોઇ અનુભવ નથી. પુલના સ્ટ્રચરલ ડિઝાઇન માટે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી કોઇ જ પૂર્વ પરવાનગી લેવાઇ ન હતી અને નગરપાલિકા સત્તાધીશોએ પણ ઝુલતા પુલની સ્ટ્રકચરલ ડિઝાઇન સહિતના પાસાઓને લઇ પૂરતી ચકાસણી કરી કે કરાવી ન હતી. એટલું જ નહી, આ પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકતાં પહેલાં તે અંગેનું ફીટનેસ સર્ટિફિકેટ પણ આ ગુ્રપ દ્વારા મેળવાયુ ન હતું. સમગ્ર મામલામાં સેફ્ટી ઓડિટ કર્યા વિના જ તા.26-10-2022ના રોજ પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો, જેના ગંભીર પરિણામસ્વરૂપ બ્રીજ ખુલ્લો મૂકાયાના ત્રણ દિવસ બાદ ઝુલતો પુલ તૂટી પડયો હતો અને દર્દનાક કરૂણ દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં 150 જેટલા નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને 85થી વધુ ઘાયલ થયા હતા.