ચોમાસુ ચૌદશ સાથે જ જૈનોના સમસ્ત ફિરકાઓમાં તથા જૈન શ્ર્વેતાંબર મૂર્તિપૂજન સમાજની સોમવારે પૂર્ણાહુતિ થઇ છે. આજથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાર્તુમાસ પરિવર્તન થઇ શકશે. ચાર માસ સુધી એક સ્થળે સ્થિરતા બાદ ચોમાસી ચૌદશ બાદ વિહાર શરુ થશે.
કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે. ચાર્તુમાસ દરમિયાન બંધ રહેતી શત્રુંજય તિર્થની યાત્રાનો પણ આજથી પ્રારંભ થશે. જામનગરમાં પણ ચાર્તુમાસ પરિવર્તન નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતાં. હેમચંદ્રસુરિશ્ર્વરજી મહારાજાનો અવતરણ (જન્મ દિવસ) તેમજ ચાર માસ સુધી સાધુ-સાધ્વીજી ભગવંતોએ કરેલા સલિંતા તપના પારણાનો આજે કાર્તિક સુદ પૂર્ણિમાનો દિવસ નિમિત્તે પારણા સહિતના આયોજનો થયા હતાં. પાઠશાળા સંઘમાં શત્રુંજ્યની ભાવયાત્રા તેમજ પ.પૂ. આચાર્ય ભગવંતનું પ્રવચન પણ યોજાયું હતું. આ ઉપરાંત જામનગર શહેરના સ્થાનકવાસી તથા દેરાવાસી ઉપાશ્રયોમાંથી સાધુ-સાધ્વીજીના ચાર્તુમાસ પરિવર્તન તથા દેરાસરોમાં શત્રુંજ્ય ભાવયાત્રાના પટ્ટના દર્શનનો પણ જૈન-જૈનેતરોએ લાભ લીધો હતો. શહેરના લાલબંગલા પાસે આવેલ પોપટલાલ ધારશીભાઇ સમેતશિખર દેરાસરમાં સવારે પૂજા ભણાવવામાં આવી હતી. પટ્ટના દર્શન લોકોએ કર્યા હતાં. ત્યારબાદ દેરાસરના પટાંગણમાં ટિમ્બર (પ્રસાદી) યોજાયું હતું.