જામનગર શહેરમાં દિ.પ્લોટ 17 વિસ્તારમાં રહેતાં પ્રૌઢને તેના ઘર નીચે બોલાવી ‘મારી વાતો શું કામ કરો છો ?’તેમ કહી ચાર શખ્સો દ્વારા બેઝબોલના ધોકા અને બેટ વડે હુમલો કરી પ્રૌઢને છોડાવવા પડેલ તેમના પત્ની તથા પુત્રવધૂ સહિતના ચાર વ્યક્તિઓને માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં 17 દિગ્વીજય પ્લોટમાં પ્રકાશ એપાર્ટમેન્ટમાં રહેતા ધિરેશભાઈ કનખરા નામના પ્રૌઢને ગત તા.25 ના મધ્ય રાત્રિના કેતન, ભાવિન વિજય નાખવા, સંજીત વિજય નાખવા, હિતેશ કિશોર કનખરા નામના ચાર શખ્સોએ ધિરેશભાઈને ફોન કરી તેના ઘર નીચે બોલાવી કેતને ‘મારી વાતો શું કામ કરો છો ?’ તેમ કહી ગાળાગાળી કરી બેઝબોલના ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો. પ્રૌઢ ઉપર થયેલા હુમલામાં તેની પત્ની અને પુત્રવધૂ તથા કૌટુંબિક અમિતભાઈ અને હિતેનભાઈ બચાવવા વચ્ચે પડયા હતાં. હુમલાખોરોએ બચાવવા વચ્ચે પડેલા ચારેય વ્યક્તિઓને પણ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા બે મહિલા સહિતના પાંચ વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.