આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્ર્વરીએ કહ્યું કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્ર્વરીએ ઇડબલ્યુએસને યોગ્ય ગણાવ્યુ છે. આ બંનેએ 2019ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાએ પણ તેની તરફેણ કરી છે. ઇડબલ્યુએસ ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 3 જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે.
જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ કહ્યું હતું કે, મારો નિર્ણય જસ્ટિસ મહેશ્ર્વરીના અભિપ્રાય સાથે સહમત છે. તેમણે કહ્યું કે ઇડબલ્યુએસ ક્વોટા માન્ય અને બંધારણીય છે. 5ાંચ જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ યુયુ લલિત આ અનામતની વિરોધમાં ગયા હતા. ચીફ જસ્ટિસ લલીતે આ બાબતને ગેરબંધારણીય ઠેરવી છે. ભટે કહ્યું કે, આ કાયદો ભેદભાવથી ભરેલો છે અને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, બંધારણના 103મા સુધારા દ્વારા, ઇડબલ્યુએસ અનામત અંગેનો કાયદો 2019માં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને અનેક અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેના પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ર્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું ઇડબલ્યુએસ અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને ઇડબલ્યુએસ ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો. બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્ર્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ ઇડબલ્યુએસ ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.