રાજયમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં જોતરાઇ ગયા છે. ત્યારે ગઇ મોડી રાત્રે કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. જેમાં જામનગર ઉત્તરની બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર કોંગ્રેસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજાને ટિકીટ આપી છે. છેલ્લા 3 દાયકાથી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે અને સંગઠનમાં સારી એવી કામગીરી કરી રહયા છે.હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મહામંત્રીનું પદ ધરાવે છે. બિન વિવાદિત સ્વચ્છ પ્રતિભા ધરાવતા બિપેન્દ્રસિંહ ભૂતકાળમાં કોઇ ચૂંટણી લડયા નથી. પક્ષે તેમની સેવાઓની કદર કરીને આ વખતે જામનગર ઉત્તરના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. 54 વર્ષના બિપેન્દ્રસિંહ જાડેજા બી.કોમ., બી.પી.એડ.ની ડિગ્રી ધરાવે છે. આ ઉપરાંત તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની એકઝિકયુટીવ સમિતિના પણ સભ્ય છે. જયારે સૌરાષ્ટ્ર, કચ્છ ચેમ્બરના ઇન્ચાર્જ પ્રમુખ છે. બિપેન્દ્રસિંહ એનએસયુઆઇ જામનગરના પ્રમુખ રહી ચૂકયા છે. જયારે પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં સેક્રેટરી પદ પણ ભોગવી ચૂકયા છે. રાજપૂત સમાજના અગ્રણી બિપેન્દ્રસિંહ ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય પણ છે. જયારે છેલ્લી બે લોકસભાના તેઓ જામનગર બેઠકના ઇન્ચાર્જ રહી ચૂકયા છે.
કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટી દ્વારા ગઇ મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા 43 ઉમેદવારોની યાદીમાં કોઇ વર્તમાન ધારાસભ્યના નામનો સમાવેશ થતો નથી. આ યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસે પોતાના અગ્રણી એડવોકેટ અમીબેન યાજ્ઞિકના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે જે 43 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ, ગાંધીધામ થી ભરત સોલંકી, ડીસા થી સંજયભાઈ રબારી, કડીથી પ્રવીણભાઈ પરમાર, હિંમતનગર થી કમલેશ પટેલ, દસક્રોઈ થી ઉમેદી ઝાલા, ફતેપુરા થી રઘુ મચર, ઝાલોદ થી ડો.મિતેષ ગરસિયા, લીમખેડા થી રમેશકુમાર ગુંદિયા, સંખેડા થી ધીરુભાઈ ભીલ, સયાજીગંજ થી અમી રાવત, અકોટા થી ઋત્વિક જોશી, રાઓપુરા થી સંજય પટેલ, માંજલપુર થી ડો. તશ્વિન સિંઘ, અંજારથી રમેશ ડાંગર, ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક, ખેરાલુ થી મુકેશ દેસાઈ, એલીસબ્રીજથી ભીખુભાઈ દવે, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, પલ્ડીથી જયશ્રી પટેલ, રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા, રાજકોટ ગ્રામ્ય થી સુરેશ બથવાર, અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ, જસદણ થી ભોળાભાઈ ગોહિલ, ઇડર થી રામાભાઈ સોલંકી, જામનગર ઉત્તર થી બીપેન્દ્રસિંહ જાડેજા, કુતિયાણાનાથી નાથાભાઈ ઓડેદરા, માણાવદર થી અરવિંદભાઈ લાડાની, મહુવા થી કનુભાઈ કલસરિયા, નડિયાદ થી ધ્રુવલ પટેલ, મોરવાહડફ થી સ્નેહલતાબેન ખાંટ, ઓલપાડ થી દર્શન નાયક, કામરેજ થી નિલેશ કુંભાણી, વરાછા થી પ્રફુલભાઈ તોગડિયા, કતારગામ થી કલ્પેશ વરિયા, સુરત પશ્ચિમ થી સંજય પટવા, બારડોલી થી પન્નાબેન પટેલ, મહુવા થી હેમાંગીની ગરસિયા, ડાંગ થી મુકેશ પટેલ, જલાલપોર થી રણજીત પંચાલ, ગણદેવી થી શંકરભાઈ પટેલ, પારડી થી જયશ્રી પટેલ, કપરાડા થી વસંત પટેલ, ઉંબેરગાવ થી નરેશ વાલવીનો સમાવેશ થાય છે.