ખંભાળિયા – જામનગર હાઈ-વે પર આવેલી વિશાળકાય ખાનગી કંપનીમાંથી થોડા દિવસ પૂર્વે લોખંડ સહિતના રૂપિયા સાડા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી થવા શુક્રવારે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર ધોરી માર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર મોટા માંઢા ગામની સીમમાં આવેલી એસ્સાર બલ્બ ટર્મિનલ લિમિટેડ કંપનીના સલાયા જેટીથી એસ્સાર પાવર પ્લાન્ટ સુધીના વિદેશથી આયાત થતા કોલસાને પ્લાન્ટ સુધી લાવવા માટે લગાવવામાં આવેલા ક્ધવેયર બેલ્ટમાંથી 320 કિલોગ્રામ વજન ધરાવતી લોખંડની ફ્રેમ, 680 કિલોગ્રામ વજનના રોલર તેમજ 506 કિલોગ્રામ વજનના 46 નંગ ક્રોસ બ્રાસિંગ (આડા ટેકા) મળી કુલ રૂપિયા 3,55,000 ની કિંમતનો મુદ્દામાલ તારીખ 13 ઓક્ટોબર આસપાસના સમયગાળામાં ચોરી થયાનું કંપનીના ધ્યાને આવ્યું હતું.
આથી આ પ્રકરણમાં કંપનીના કર્મચારી જેસંગજી ઉર્ફે જશવંતસિંહ બળવંતસિંહ જાડેજા દ્વારા અજાણ્યા તસ્કરો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસ આરંભી છે.