દેશના પ્રથમ મતદાતા માસ્ટર શ્યામ શરણ નેગીનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરૂવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કલ્પામાં તેમના ઘરે અંતિમ શ્ર્વાસ લીધા હતા. કિન્નૌરના ડીસી આબિદ હુસૈને માસ્ટર નેગીના મૃત્યુની પુષ્ટિ કરી છે. નેગીની ઉંમર 106 વર્ષની હતી અને દેશમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં તેમણે સૌથી પહેલા મતદાન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે માસ્ટર નેગીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી. આ કારણે માસ્ટર નેગીએ 2જી નવેમ્બરે હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. પ્રથમ મતદાર માસ્ટર શ્યામ સરન નેગીના કાનમાં દુખાવો અને આંખોની રોશની પણ ઓછી થઈ ગઈ હતી. 2 નવેમ્બરે તેમણે તેમના જીવનમાં 34મી વખત મતદાન કર્યું હતું. આ સમાચારની પુષ્ટિ કરતા ડીસી કિન્નૌર આબિદ હુસૈન સાદીકે કહ્યું કે, માસ્ટર શ્યામ શરણ નેગીએ દુનિયાને અલવિદા કહી દીધું છે તેમની તબિયત ઘણા સમયથી ઠીક ન હતી અને આવી સ્થિતિમાં શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ તેમના મૃત્યુની જાણ કરવામાં આવી છે.આજે વહીવટીતંત્ર સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે. શ્યામ શરણ નેગીના પુત્ર સીપી નેગીએ જણાવ્યું કે, તેમના પિતા લાંબા સમયથી બીમાર હતા અને આજે વહેલી સવારે 3 વાગ્યે તેમનું અવસાન થયું અને તેમણે વહીવટીતંત્રને જાણ કરી છે. 2 નવેમ્બરે પોતાનો મત આપ્યા બાદ દેશના પ્રથમ મતદાર માસ્ટર શ્યામ સરન નેગીએ કહ્યું હતું કે, દેશને અંગ્રેજો અને રાજાઓના શાસનથી આઝાદી મળી છે. આજે લોકશાહીના આ મહાન પર્વમાં દેશનો વિકાસ કરનાર વ્યક્તિની પસંદગી કરવાની દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે અને આજે ખરાબ તબિયતના કારણે મેં ઘરે બેસીને મારા મતનો ઉપયોગ કર્યો છે. લોકશાહીના મહાન ઉત્સવમાં સૌએ પોતાની સહભાગિતા સુનિશ્ચિત કરી છે.