ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાના આજથી શ્રી ગણેશ થયા છે. રાજયમાં એક ડિસેમ્બરે યોજાનારા પ્રથમ તબકકાના મતદાન માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.
રાજયમાં જામનગર જિલ્લાની પાંચ અને દ્વારકા જિલ્લાની બે સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો આજથી પોતાની દાવેદારી નોંધાવી શકશે. જયારે 14 નવેમ્બર ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ રહેશે. જો કે, પ્રથમ દિવસે કોઇ ઉમેદવાર ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના ખૂબ ઓછી છે. જામનગરની પાંચ બેઠકો માટે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી હોય પ્રથમ બે દિવસ મોટાભાગે ચૂંટણી લડવા ઇચ્છુકો કચેરીએથી માત્ર ફોર્મનો જ ઉ5ાડ કરશે.
છેલ્લા બે દિવસો દરમ્યાન ઉમેદવારી નોંધાવવા માટે ભારે ધસારો રહે તેવી સંભાવના જોવાઇ રહી છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. ઉમેદવારી નોંધાવવા માટે આરઓની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. તથા કાયદો, વ્યવસ્થા અને આચારસંહિતાના પાલન માટે જુદા-જુદા પ્રતિબંધાત્મક આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.