રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ પાસેના વિસ્તારમાં રહેતાં યુવાનના લગ્ન નકકી થયા બાદ યુવતીના પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લગ્ન જલ્દી થઈ શકે તેમ ન હોય જેનું મનમાં લાગી આવતા યુવાને જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ પાસેના વિસ્તારમાં રહેતા અને ક્રિષ્નાભાઈ ખડકસિંહ ઔડ (ઉ.વ.36) નામના યુવાનના લગ્ન નીતાબેન ઈન્દ્રફીલીય સાથે નકકી થયા હતાં. પરંતુ નીતાબેનના પિતાની નબળી આર્થિક પરિસ્થિતિ હોવાને કારણે લગ્ન જલ્દી થઈ શકે તેમ ન હોવાનું મનમાં લાગી આવતા ક્રિષ્નાભાઈએ શુક્રવારે બપોરના સમયે જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ પાસે આવી રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતા હેકો એન.બી. સદાદીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી જેના આધારે મૃતકના ભાઈ હરકેશ તથા પરિવારજનો જામનગર આવી પહોંચ્યા હતાં. પોલીસે હરકેશભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.