જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયથી લદ્દાખના નાગરિકો ખુશ નથી અને તેઓ હવે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી રહ્યા છે. આ માગણી સાથે જ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને ભારે સુત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. બુધવારે બે મોટા સંગઠનો લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયંસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
આંદોલન કરનારાઓની માગણી છે કે લદ્દાખને બંધારણીય સુરક્ષા, પ્રારંભિક ભર્તી પ્રક્રિયા અને લેહ તેમજ કારગિલ માટે સંસદમાં અલગ બેઠકો ફાળવવામાં આવે. કારગિલમાં મોટી સંખ્યામાં લોકો અહીંના હુસૈની પાર્કમાં એકઠા થયા હતા. પ્રદર્શન કરનારાઓને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તે લદ્દાખના નાગરિકોની ફરિયાદો પર ધ્યાન આપે. સાથે જ લોકો લોકશાહી બહાલ કરો, જુલુમ ઔર અબર બંધ કરોનો સુત્રોચ્ચાર પણ કર્યો હતો. કારગિલ ઉપરાંત લેહમાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. લેહના રસ્તા પર મોટી સંખ્યામાં લોકોએ ધરણા પ્રદર્શન કર્યા હતા. પાંચમી ઓગસ્ટ 2019ના રોજ લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું હતું. સાથે જ વિધાનસભા પણ નહોતી ફાળવવામાં આવી અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવી નાખવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સ્થાનિકો ખુશ નથી અને મોટી સંખ્યામાં લોકો ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. લદ્દાખમાં ઘણા સમયથી સરહદ પર સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે લદ્દાખમાં આ પ્રકારના પ્રદર્શનો શરૂ થયા છે જે કેન્દ્ર સરકાર માટે એક મોટો પડકાર સાબિત થઇ શકે છે.