જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા દિવ્યમ પાર્કમાં સોમવારની મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને બે મકાનમાંથી રૂા.96,000 ની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા દિવ્યમ પાર્ક સોસાયટીમાં પ્લોટ નં.60/બી માં રહેતાં અશોકભાઈ આંબલિયા નામના ક્ધસ્ટ્રકશનના વ્યવસાયી યુવાનના મકાનમાં સોમવારે રાત્રિના બે વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને ઘરમાંથી રૂા.14 હજારની રોકડ અને 15 ગ્રામ વજનની રૂા.57,750 ની કિંમતની સોનાની બે બંગડી મળી કુલ રૂા.71,750 ની માલમતા ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં રહેતાં દિલીપભાઈ ભટ્ટના મકાનમાં પણ ત્રસ્કરોએ ત્રાટકીને કબાટમાંથી રૂા.8800 ની કિંમતની સોનાની બુટી, ચાર હજારની કિંમતના ચાંદીના સાંકળા, બે હજારની કિંમતની ચાંદીની કડલી, બે હજારની કિંમતની ચાંદીની બે ગાય અને આઠ હજારની કિંમતની રોકડ સહિત કુલ રૂા.24,800 ની માલમતાની ચોરી કરી ગયા હતાં.
બીજે દિવસે સવારે એક સાથે બે-બે મકાનમાં ચોરી થયાનું જાણ થતા અશોકભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી તપાસ આરંભી કુલ રૂા.96,550 ની માલમતાની ચોરીના બનાવમાં તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.