લાલપુર તાલુકાના મેઘનુ ગામના પાટીયા નજીક આવેલી હોટલ ભાડે ચલાવતા શખ્સને એસઓજીની ટીમે 1 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
હાલારમાંથીમાદક પદાર્થોનો જથ્થો મળી આવવાની ઘટનાઓ અવિરત બનતી રહે છે અને રાજ્યમાંથી પણ માદક પદાર્થોનો મોટો જથ્થો મળી આવવાની ઘટનાઓ સતત બની રહી છે. ગંભીર રીતે વધી રહેલી આ માદક પદાર્થોની હેરાફેરી ડામવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ સતત એલર્ટ રહે છે. દરમિયાન હાલારનો દરિયાકિનારો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. આ દરિયાકિનારેથી ગુનાહિત પ્રવૃત્તિઓ અવિરત થઈ રહી છે. હાલમાં જ લાલપુર તાલુકાના મેઘનુ ગામના પાટીયા પાસે આવેલી રાજબીહારી નામની હોટલ ભાડે રાખીને સંચાલન કરતો મુળ બિહારના રોહતાસ જિલ્લાના સકલા ગામનો વતની શિવકુમાર કૈલાશ શાહ નામનો શખ્સ તેની હોટલમાં ગાંજાનું વેંચાણ કરતો હોવાની હેકો અરજણ કોડિયાતર અને રાજેશ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફે રેઇડ દરમિયાન હોટલમાંથી શિવકુમારને રૂા.17,000 ની કિંમતનો 1 કિલો 700 ગ્રામ ગાંજાનો જથ્થો અને 10 હજારની રોકડ તથા એક વજન કાંટો મળી કુલ રૂા.27,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસઓજીની ટીમે શિવકુમારની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા શિવકુમારે આ ગાંજાનો જથ્થો તેનો પુત્ર પિન્ટુકુમાર વેચાણ માટે લઇ આવ્યો હોવાની અને વેચાણ કરતા હોવાની કેફીયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી નાશી ગયેલા પુત્રની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને વધુ તપાસ લાલપુર પીએસઆઈ એમ.એન.જાડેજા ચલાવી રહ્યા છે.