રશિયા યુક્રેન યુધ્ધ વચ્ચે હવે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સ્થિતિ બગડી છે. આ તરફ હવે ઈરાન કોઈપણ સમયે સાઉદી અરેબિયા પર હુમલો કરી શકે છે. સાઉદી અરેબિયાએ અમેરિકા સાથે આ ગુપ્ત માહિતી શેર કરી છે. ઈરાન સાઉદી અરેબિયામાં ઘણી જગ્યાએ હુમલો કરી શકે છે. આ ગુપ્ત માહિતી સામે આવતાની સાથે જ ખાડી દેશોમાં હાજર અમેરિકી સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બીજી તરફ ઉત્તર કોરિયાએ એક પછી એક ધડાધડ 10 મિસાઇલો છોડતાં દક્ષિણ કોરિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હાલમાં યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો ચાઇના તાઇવાન વચ્ચે પણ તણાવભર્યા માહોલ છે અને હવે જો ઈરાન સાઉદી અરેબિયા પર હુમલો કરે છે, તો વિશ્વ ફરીથી ત્રીજા વિશ્વ યુદ્ધના મુખમાં પહોંચી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને સાઉદી અરેબિયા હાઇ એલર્ટ પર છે. કારણ કે સાઉદી ઇન્ટેલિજન્સે યુએસને જાણ કરી છે કે, ઇરાન સાઉદી અરેબિયામાં ઘણી સાઇટ્સ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. બંને દેશોના અધિકારીઓએ કથિત રીતે જર્નલને તોળાઈ રહેલા હુમલા અંગે ચિંતાની વાત કહી. સાઉદી અધિકારીઓએ કહ્યું કે, સાઉદી અરેબિયા સિવાય ઈરાન પણ ઈરાકના ઈર્બિલ પર હુમલો કરવા માંગે છે જ્યાં અમેરિકી સૈનિકો છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, આ આયોજનબદ્ધ હુમલાઓનો ઈરાદો ઈરાનમાં ઈસ્લામિક રાષ્ટ્રના નેતૃત્વ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શન પરથી ધ્યાન હટાવવાનો છે. મીડિયા અહેવાલો અનુસાર, ગુપ્ત માહિતી શેરિંગની પુષ્ટિ કરનારા એક અધિકારીએ કહ્યું કે, હુમલો “48 કલાકની અંદર” થઈ શકે છે.
પેન્ટાગોનના પ્રેસ સેક્રેટર એર ફોર્સ બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, યુએસ “પ્રદેશમાં જોખમી પરિસ્થિતિ” વિશે “ચિંતિત” છે અને સાઉદી અધિકારીઓ સાથે “નિયમિત સંપર્કમાં” છે. રાયડરે કોઈપણ ચોક્કસ ધમકીઓ જાહેર કરવાનો ઇનકાર કરતા કહ્યું, “અમે આપણી જાતને બચાવવા અને બચાવવાનો અમારો અધિકાર અનામત રાખીશું, પછી ભલે અમારા દળો ઇરાકમાં અથવા અન્ય જગ્યાએ સેવા આપી રહ્યા હોય.” ઉત્તર કોરિયાએ બુધવારે એક પછી એક 10 જેટલી મિસાઇલો છોડી હતી જેમાંથી એક દક્ષિણ કોરિયાની જળસીમામાં પડી હતી. આ ઘટનાના દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિએ સીમાનું ઉલ્લંઘન જણાવી આક્રમણ ઠેરવ્યું હતું અને પોતાના દેશના એક પ્રાંતમાં એલર્ટ જાહેર કર્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિ યુંગ સુક યોલે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના આ પગલાં આક્રમણ સમાન છે અને તેમણે ઉલ્લેંગડું પ્રાંતમાં એલર્ટ જાહેર કર્યું હતું. ઉત્તર કોરિયાની મિસાઇલો હવામાં આવતા જ ઉલ્લેંગડું પ્રાંતમાં મિસાઈલ એલર્ટ સાયરન વાગી હતી અને લોકોને જમીનની અંદર બંકરમાં ઘૂસી જવા ચેતવણી આપવામાં આવી હતી. બન્ને દેશો છૂટા પડ્યા પછી 1953માં યુદ્ધ ખતમ થયું હતું. આ યુદ્ધ પૂર્ણ થયા પછી પ્રથમ વખત ઉત્તર કોરિયાની મિસાઈલ દક્ષિણ કોરિયાની જળસીમા ઓળંગી હોય તેવો આ પ્રથમ બનાવ છે. ટુંકી દુરી સુધી મારણ કરી શકે એવી આ બેલાસ્ટિક મિસાઈલ ઉલ્લેંગડું નજીકની જળસીમામાં પડી હતી. આ જળસીમા ઉત્તર અને દક્ષિણ કોરિયાને આ વિસ્તારમાં અલગ પાડે છે.