ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની અને હાલ મોરબી ખાતે સ્થાયી થયેલા એક ક્ષત્રિય પરિવારના બે બાળકો રવિવારે મોરબીની કરુણાંતિકામાં મૃત્યુ પામતા ખંભાળિયા પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ રહીશ અને હાલ મોરબી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર રવિરાજસિંહ તથા અરવિંદસિંહ જાડેજાના પુત્ર મિતરાજસિંહ રવિવાર તારીખ 30 મી ના રોજ સાંજે મોરબી ખાતે ઝુલતો પુલ તૂટી જવાના બનાવમાં પાણીમાં ડૂબી જવાથી દુ:ખદ અવસાન પામ્યા હતા.
આ અંગે વધુ માં જાણવા મળતી વિગત મુજબ આશરે 12-13 વર્ષના બન્ને બાળકો તેમના માતા – પરીવારજનો સાથે ઝૂલતા પુલ પરથી પસાર થઈ ગયા બાદ તેના માતા વિગેરે નજીકમાં આવેલા એક મંદિરમાં જતા આ બન્ને બાળકોને જાણે મોત પોકારતું હોય તેમ તેઓ ફરી પાછા પુલ પર પહોંચી ગયા હતા, જ્યાં તેઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ બનાવની જાણ થતા નાના એવા ભાતેલ ગામ સાથે સમગ્ર ખંભાળિયા પંથકના ક્ષત્રિય સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.


