ખંભાળિયામાં પોલીસ સ્ટેશન પાછળના ભાગે કુંભારપાડામાં રહેતી બિલકીશબેન સમીરભાઈ પુપર નામની 22 વર્ષની મુસ્લિમ પરિણીતા ગત તારીખ 30મી ના રોજ તેણીના ઘરે સૂતી હતી, ત્યારે રાત્રિના આશરે ત્રણેક વાગ્યાના સમયે આ જ વિસ્તારમાં રહેતી આરતીબેન સીદીક ચૌહાણ નામની યુવતી તેણીના ઘરે આવી હતી અને “તું તારા પતિ સમીર સાથે છૂટાછેડા લઈ લે”- તેમ કહેતા ફરિયાદી બિલકીશબેનએ ના પાડતા આરતી ચૌહાણ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણી પાસે રહેલી બ્લેડ વડે બિલકીશબેનના ગળામાં બે કાપા મારી દીધા હતા.
આટલું જ નહીં આરોપી મહિલાએ ફરિયાદી બિલકીશબેનને પેટમાં લાતો મારતા કહેલ કે “તું તારા ઘરવાળા સાથે છૂટાછેડા લઈ લે, નહીંતર જીવતી નહીં રહેવા દઉં” તેમ કહી ઘરમાંથી નાસી ગઈ હતી.
આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બિલકીશબેનને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસે આરતીબેન સિદીક ચૌહાણ સામે આઇપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એએસઆઈ જે.પી. જાડેજાએ હાથ ધરી છે.


