ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે જોઈ શકીએ છીએ કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટી 4 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. પંજાબની જેમ જ તે હવે ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચેહરાને મેદાનમાં ઉતારશે.
મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે અને સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે.
દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સુરત ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે જનતા પાસેથી મુખ્યમંત્રી કોને બનાવશે એ જ પૂછ્યું નથી પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો. અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આક્રમક રીતે લડી રહી છે અને તે તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે.