જામજોધપુર તાલુકાના સમાણા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં દવાના છંટકાવ સમયે વિપરીત અસર થવાથી ખેતમજૂર યુવકનું જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મહિસાગાર જિલ્લાના ઊબેરના વતની અને જામજોધપુરના તાલુકાના સમાણા ગામમાં આવેલા કાનજીભાઇ વશરામભાઈ વાદીના ખેતરમાં મજૂરી કામ કરતા રાકેશ ચનાભાઈ બારીયા (ઉ.વ.20) નામનો યુવક 25 દિવસ અગાઉ ખેતરમાં દવાનો છંટકાવ કરતો હતો તે દરમિયાન વિપરીત અસર થવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન રવિવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ચનાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.