જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીના આગમનને વધાવવા તડામાર તૈયારીઓ થઇ રહી છે અને વેપારીઓ દ્વારા પણ ચીજ-વસ્તુઓનું વેચાણ વધે તે દિશામાં આકર્ષક સ્કિમો જાહેર કરવામાં આવી છે. આ તહેવાર શરૂ થાય તે પહેલાં મહાનગરપાલિકાની ફૂડ શાખા એકશનમાં આવી ગઈ છે અને આજે શહેરમાં મીઠાઈના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
દિવાળીના સપરમાં તહેવારના પ્રારંભ પૂર્વે જ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એકશનમાં આવી ગઈ છે. આ તહેવાર દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા કોરોના કાળ બાદ આ વર્ષે વેપાર વિકસાવવાનો અને કમાણી કરવાનો ચાન્સ મળ્યો છે ત્યારે ફૂડ શાખા દ્વારા તહેવાર પૂર્વે જ શહેરમાં આવેલા મિઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકોની સુખાકારી જળવાઈ રહે અને વેપારીઓ દ્વારા વાસી ચીજવસ્તુઓ લોકોને આપવામાં ન આવે તેની તકેદારીના ભાગરૂપે 49 દિગ્વીજય પ્લોટમાં આવેલી કમલેશ ડેરીમાં મિઠાઇઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નમૂના મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તહેવાર પહેલાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શરૂ કરાયેલા ચેકીંગથી વેપારીઓમાં રોષ ફેલાઈ ગયો હતો.