જામનગરના ગોરધનપર નજીક આવેલા લહેર તળાવમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના બેડ ગામના નદી કાંઠેથી પ્રૌઢનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં ધરારનગર 2 વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતાં નટુભા જેમલજી પરમાર (ઉ.વ.55) નામના પ્રૌઢ શુક્રવારે સાંજના સમયે ગોરધનપરના બેઠા પુલ આવેલા લહેર તળાવમાં ન્હાવા પડયા હતાં તે દરમિયાન ઉંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ કરતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પુત્ર ધર્મેન્દ્રસિંહના નિવેદનના આધારે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં આવેલી ગ્રીનવિલા સોસાયટીમાં રહેતાં બારીદબરનભાઇ ઉમાપદાભાઈ ઘોષ (ઉ.વ.51) નામના પ્રૌઢનું ગત તા.24 ના રોજ સાંજના સમયે બેડ ગામમાં સ્મશાન પાસે આવેલી નદીના કાંઠેથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની મૃતકની પત્ની સોનાલીબેન દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.