કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતા યુવાનની પત્ની સંતાન સાથે પિયર જતી રહેતાં મનમાં લાગી આવતા દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના ખેતીવાડી સામેના વિસ્તારમાં રહેતાં પ્રૌઢ તેના ઘર પાસે રોડ પર અકસ્માતે પડી જતાં માથામાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના નિકાવા ગામમા રહેતાં અને મજૂરી કામ કરતા ભરત ભુરાભાઈ વાઘેલા (ઉ.વ.25) નામના યુવાનની પત્ની તેજલબેન તેના સંતાન સાથે રીસામણે પિયર જતી રહી હતી. આ બાબતનું મનમાં લાગી આવતા ભરતે રવિવારે સાંજના સમયે તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા ભુરભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ખેતીવાડી સામે આવેલ ન્યુ ઈન્દીરા કોલોની શેરી નં.14 માં રહેતાં નાનજીભાઈ જેઠાભાઈ ચૌહાણ (ઉ.વ.55) નામના નિવૃત્ત પ્રૌઢ તેના ઘર પાસે ઢાળિયા પાસેથી ચાલીને જતાં હતાં ત્યારે અચાનક રોડ પર પડી જતાં માથામાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રૌઢની સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર પ્રેમજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.