જામનગર મહાનગરપાલિકાની શુક્રવારે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચૂંટણીની ઈફેકટ જોવા મળી છે. આ બેઠકમાં શહેરમાં રૂા.180 કરોડના જુદા જુદા 50 જેટલા વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં લાલપુર બાયપાસે રૂા.58 કરોડના ઓવરબ્રીજનો પણ સમાવેશ થાય છે.
ચેરમેન મનિષભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં જથ્થાબંધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. આ વિકાસ કામોમાં વોટર વર્કસ વિભાગની પાણીની પાઇપલાઈન, સીમેન્ટ રોડ, બ્લોકના કામ, બિલ્ડિંગ મરામત, સેન્ટ્રલ લાઈટિંગ, જુદી જુદી જગ્યાઓમાં કમ્પાઉન્ડ હોલ સહિતના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગરમાં લાલપુર બાયપાસ પર રૂા.58.60 કરોડ તેમજ હાપા માર્કેટ યાર્ડ રેલવે ક્રોસીંગ પર રૂા.43.99 કરોડના ખર્ચે ઓવરબ્રીજના કામને મંજૂરી આપવામાં આવી હતી. શહેરી વિકાસ યોજના અંતર્ગત રણજીતસાગર ડેમ પાસે રૂા.84 લાખના ખર્ચે એનીમલ સેલ્ટર હોમ બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે મેઘજી પેથરાજ શાળાના ગ્રાઉન્ડમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા રૂા.87.54 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે. જામનગરમાં ગે્રઈનમાર્કેટ પાસે આવેલા ત્રણ દરવાજાના રેસ્ટોરેશન માટે રૂા.1.16 કરોડના ખર્ચને પણ બહાલી આપવામાં આવી છે. જામનગરમાં પ્રધાનમંત્રીની મુલાકાત અન્વયે રસ્તાઓના તાત્કાલિક રીપેરીંગ અને તેના પર થર્મોપ્લાસ્ટ પેઈન્ટ કરવા માટે રૂા.38 લાખના મંજૂર કરવામાં આવ્યા છે. જામનગરમાં દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ટ્રાફિક અને પાર્કિંગ અવેરનેસ સ્પોટ બનાવવા અંધાશ્રમ રેલવે ઓવરબ્રીજ નીચેની જગ્યા રોટરી કલબને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ટી.પી. સ્કીમ નં.1 માં 929 ચોરસ મીટર જમીનનો પ્લોટ ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડીયાને વેચાણથી આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ વેચાણથી જામ્યુકોને રૂા.4.26 કરોડની આવક થશે.
જામનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળોએ લાઇટીંગ માટે હાઈમાસ્ટ ટાવર મૂકવા માટે રૂા.27.11 લાખનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે. આમ આ બેઠકમાં કુલ રૂા.179.71 કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે 4.26 કરોડની જમીન વેચાણની આવક થવા પામશે. બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.