કર્ણાટકના બીદર શહેરમાં આવેલા એક ઐતિહાસિક મદરેસામાં ઘૂસીને નારેબાજી કરવાના આરોપસર 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે 9 લોકો સામે કેસ દાખલ કર્યો છે અને અન્ય 5 લોકો ફરાર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ ઘટના 6 ઓક્ટોબરના રોજ મોડી રાતે 2 કલાકે બની હતી જાણવા મળ્યા મુજબ દશેરાના કાર્યક્રમ બાદ ટોળું મદરેસામાં ઘૂસી ગયું હતું અને સિંદૂર લગાવીને પૂજા પણ કરી હતી. કેટલાક તોફાની તત્વો સુરક્ષાકર્મીને ધમકાવીને, તાળું તોડીને પુરાતત્વ સ્મારક મહમૂદ ગવાં મદરેસા અને મસ્જિદમાં ઘૂસી ગયા હતા. જોકે પોલીસના કહેવા પ્રમાણે મસ્જિદમાં પ્રવેશવા માટે તાળું નથી તોડવામાં આવેલું.
આ ઘટના બાદ મુસ્લિમ સંગઠનોએ પ્રદર્શનો કરવાની ચીમકી આપી છે. તેમના કહેવા પ્રમાણે જો આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો જુમ્માની નમાજ બાદ વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે અને સરકાર મુસલમાનોને નીચા દેખાડવા માટે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો મદરેસાની સીડીઓ પર ઉભા રહીને ’જય શ્રી રામ’ અને ’હિંદુ ધર્મ જય’ના નારા લગાવતા જોવા મળે છે. 1460ના દસકામાં નિર્મિત મહમૂદ ગવાં મદરેસા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત આવે છે અને તે રાષ્ટ્રીય મહત્વના સ્મારકોની યાદીમાં પણ સામેલ છે.
કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રના કહેવા પ્રમાણે મદરેસા પાસે એક ઝાડ હતું જ્યાં દર વર્ષે પૂજા કરવામાં આવતી હતી. અનેક વર્ષોથી આ પ્રકારે પૂજા કરવામાં આવે છે. સાથે જ તેમણે પોતાના પાસે વધુ માહિતી નથી માટે તેઓ વિભાગ પાસેથી તે અંગે જાણકારી મેળવશે તેમ પણ જણાવ્યું હતું.
પોલીસ અધીક્ષક ડેક્કા કિશોર બાબૂના કહેવા પ્રમાણે નિઝામ કાળથી જ દશેરા દરમિયાન પૂજા કરવાનો આ નિયમિત અભ્યાસ છે. મસ્જિદ પરિસરમાં એક મીનાર છે. સામાન્ય રીતે 2-4 લોકો આવે છે પરંતુ આ વખતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. કોઈએ મસ્જિદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે તાળું નથી તોડ્યું. જોકે સાથે જ તેમણે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તોફાની તત્વોની ધરપકડ કરવામાં આવશે તેની પણ ખાતરી આપી હતી.