વિશ્ર્વના પ્રમુખ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને અન્ય સાથી દેશો દ્વારા ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં દૈનિક 20 લાખ બેરલનો કાપ મૂકવાનો નિર્ણય કરાયો છે. મોડી સાંજે આ ઓપેક પેનલની ભલામણ બાદ મીનિસ્ટરો દ્વારા આ ભલામણને સ્વીકારવામાં આવતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઉકળીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ઊંચામાં 93.20 ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ 87.70 ડોલર બોલાઈ ગયા બાદ ફરી ઝડપી ઘટી આવ્યા હતા. મોડી સાંજે ભાવ ક્રુડના બ્રેન્ટ 91.48 ડોલર અને નાયમેક્ષ 85.98 ડોલર બોલાતા હતા. વિશ્ર્વ અત્યારે અસાધારણ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે અને અમેરિકા સહિતના દેશોએ ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારો કરવામાં આવતાં ઉદ્યોગોની માંગમાં ઘટાડાના પરિણામે ઓપેક દ્વારા ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાની ફરજ પડી છે.