દ્વારકામાં સનાતન આશ્રમના પાછળના ભાગે રહેતા હિનાબેન અમૃતભાઈ દામજીભાઈ ભટ્ટ નામના 60 વર્ષના બ્રાહ્મણ મહિલા તેમના પુત્ર અજયભાઈ સાથે મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે દ્વારકાથી આશરે 12 કિલોમીટર દૂર ગોરીંજા ગામની ગોલાઈ પાસે પહોંચતા હીનાબેને પહેરેલી સાડીનો છેડો મોટરસાયકલના પાછળના વ્હીલમાં આવી જતા તેઓ બાઈક પરથી ફસડાઈ પડ્યા હતા અને તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવા પામી હતી.
ડાયાબિટીસ તથા બીપી જેવી બીમારી ધરાવતા હીનાબેન ભટ્ટનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર અજયભાઈ અમૃતભાઈ ભટ્ટે દ્વારકા પોલીસને કરી છે.