તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બેટ દ્વારકામાં ગેરકાયદેસર સરકારી અને ગૌચરની જમીન પર કરાયેલા દબાણો દૂર કરવા મેઘા ડીમોલેશન કાર્યવાહી હાથ ધરાય છે. ધાર્મિક સ્થળ આસપાસ જે પ્રકારે દબાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હતી તેના ઉપર મક્કમ મન સાથે બુલડોઝર ફેરવી કાયદાકીય કામગીરી કરી છે જેને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરાહના કરી જામનગરના કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર પાઠવી આ પ્રકારની કામગીરી અન્ય જિલ્લામાં કરવા પણ માગણી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સુબ્રમણીયમભાઈ પીલે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી માતૃશક્તિ મહિલા પાંખના સંયોજિકા હિનાબેન અગ્રાવત, ભાવનાબેન ગઢવી સહિતના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી સરકારની કામગીરીની સરાહના કરી હતી. અને આગામી સમયમાં અન્ય દેવસ્થાન તેમ જ જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર આવી જ રીતે ઘોષ બોલાવવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી.