દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર હાલાર સહિત ગુજરાતમાં પણ ચર્ચામાં આવેલા નાના એવા ધાર્મિક સ્થળ બેટ દ્વારકામાં પોલીસ તંત્રએ રેવન્યુ તંત્રને સાથે રાખીને હાથ ધરવામાં આવેલા મેગા ડેમોલિશનમાં મોટા પાયે અનધિકૃત દુબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. શનિવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાંથી શરૂ થયેલી આ દબાણ હટાવ કામગીરી આખો દિવસ ચાલ્યા બાદ ગઈકાલે રવિવારે પણ સવારથી દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી ચાલી હતી. રવિવારે આખો દિવસ ચાલી રહેલી કામગીરી પછી પણ કેટલુંક દબાણ હટાવવાનું બાકી હોવાથી આજે સોમવારે પણ સવારે પોલીસ, પાલિકા, રેવન્યુ સહિતનો સ્ટાફ બેટ દ્વારકામાં જોવા મળ્યો હતું અને સવારથી આવા દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રાહબરી હેઠળ રેન્જ આઈ.જી.ના સીધા માર્ગદર્શન નીચે શનિવારથી બેટ દ્વારકા વિસ્તારમાં થયેલા વ્યાપક દબાણ અંગે રેવન્યુ તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે તથા નોટીસ અંગેની કામગીરી પછી અતિ ગુપ્તતાપૂર્વક અને આયોજનબદ્ધ રીતે શનિવારે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડેમોલિશનમાં પાંચ જેટલા જિલ્લાની પોલીસના વિશાળ કાફલાના ખાસ બંદોબસ્તમાં શનિવારે પ્રથમ દિવસે બે ડઝન જેટલા કોમર્શિયલ સહિતના બાંધકામો હટાવી અને આશરે 80 હજાર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાયા બાદ ગઈકાલે રવિવારે પણ જિલ્લાના દ્વારકા તથા ખંભાળિયા પ્રાંત અધિકારીની ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ નિતેશ પાંડેયના રૂબરૂ માર્ગદર્શન હેઠળ આજે દિવસ દરમિયાન 15 જેટલા પાકા બાંધકામનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો હતો.
મહત્વની બાબત તો એ છે કે ડ્રગ્સ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપી પરિવારના રહેણાંક મકાનનો કેટલોક અનઅધિકૃત ભાગ પણ હટાવી દેવામાં આવ્યો છે. આમ, રવિવારે સવારથી મોડી સાંજ સુધી ચાલેલા ઓપરેશન ડિમોલિશનમાં આશરે 20 હજાર ફૂટ જેટલી સરકારી પરંતુ કીમતી જમીન પરના કોમર્શિયલ તથા ધાર્મિક દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આજે પણ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ચાલેલા ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશમાં ત્રીજા દિવસે પણ યાત્રીઓ તથા સામાન્ય લોકો માટે ફેરીબોટ સર્વિસ બંધ રાખવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા જરૂરિયાત મુજબ તેઓની નીગરાની હેઠળ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિતની બાબત માટે ફેરીબોટ ચાલી હતી. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્થાનિક રહીશોને ઘરમાં જ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી અને આ સમગ્ર કામગીરી માટે લોકોએ પોલીસ તંત્રને સહકાર પણ આપ્યો હતો.
જોકે ગઈકાલે એકાદ બે સ્થળોએ તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે જતા લોકો વિરોધ કરવાના મૂડમાં જણાતા પોલીસ સહિતના સ્ટાફ દ્વારા સમજાવટ સહિતના જરૂરી પગલા લેવામાં આવ્યા હતા અને કામગીરી યથાવત રીતે ચાલુ રહી હતી. આ મેગા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કેટલાક શખ્સોની સાવચેતી રૂપે અટકાયત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.ટ ઓખા નજીકથી બેટ દ્વારકા સુધી આશરે રૂપિયા 900 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજથી આ વિસ્તારની કાયાપલટ થઈ જશે અને આગામી સમયમાં બેટ દ્વારકામાં જમીનોની કિંમત પણ ખૂબ જ વધી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ દબાણ હટાવ ઝુંબેશ મહત્વની બની રહી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તંત્ર દ્વારા રહેણાંક મકાન તોડી પડાયું નથી.
આજરોજ નવરાત્રીની આઠમ હોવાથી સવારે બેટ દ્વારકાની કેટલીક બજારો ખુલ્લી જોવા મળી હતી અને જરૂરિયાત મુજબ સ્થાનિક લોકોની અવરજવર રહી હતી. પરંતુ બહારના યાત્રીઓ માટે હજુ આ વિસ્તાર સંપૂર્ણપણે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. દબાણ કર્તાઓએ ગૌચરની જમીન પર પણ વંડા વાળી લીધા હતા. ત્રણ દિવસ દરમિયાન દુકાનો, મકાનો વંડા વિગેરે મળી, આશરે એક લાખ ફૂટ જેટલી સરકારી જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. આ જમીનની કિંમત આશરે રૂ. ત્રણેક કરોડ જેટલી ગણવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની આરંભથી અંત સુધીની રૂબરૂ ઉપસ્થિતિ વચ્ચે ડીવાયએસપી સમીર સારડા, હીરેન્દ્ર ચૌધરી, દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, સહિત પી.આઈ. પી.એસ.આઈ. સાથેના પોલીસ સ્ટાફ ઉપરાંત મરીન કમાન્ડો, એસ.આર.પી., એસ.આર.ડી., જી.આર.ડી. તથા હોમગાર્ડનો મજબૂત બંદોબસ્ત હોવાથી કોઈ બનાવ બન્યો ન હતો. આ ઝુંબેશમાં ઓખા નગરપાલિકા સ્ટાફ, રેવન્યુ તથા પીજીવીસીએલ પણ સક્રિય રીતે જોડાયેલું રહ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 1999-2000 ના સમયગાળામાં જામનગર જિલ્લા તાબેના ખંભાળિયા શહેર તથા તાલુકાના સલાયા પંથકમાં પણ તત્કાલીન જિલ્લા પોલીસ વડા સતિષ વર્મા દ્વારા આ જ પ્રકારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેની યાદ બે દાયકા પછી આ મેગા ઓપરેશન ડિમોલિશનએ તાજા કરાવી દીધી હતી. સતત ત્રણ દિવસથી ચાલી રહેલી આ દબાણ હટાવ ઝુંબેશથી સમાજ વિરોધી તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતા આ મેગા ઓપરેશન ડિમોલીશન રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં રહ્યું છે અને રાષ્ટ્રીય અખબારો તથા રાષ્ટ્રીય ચેનલોમાં આ મેગા ઓપરેશનની કામગીરી ચમકી છે.