જામનગરના બેડીમાં 1990માં રાયોટિંગ અને આતંકવાદી ધારા અંતર્ગત નોંધાયેલા કેસમાં આખરે 32 વર્ષ બાદ આરોપીઓ સામે ટ્રાયલ શરૂ થઇ છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ કરાયેલાં કુલ 175 આરોપીઓ પૈકી 58 આરોપીઓના અત્યાર સુધીમાં અવસાન થઇ ચૂકયા છે. જયારે 10 આરોપીઓ હજુ સુધી પોલીસને મળી આવ્યા નથી. બાકીના આરોપીઓને આજે ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
કેસની વિગતો અનુસાર 1990 તે સમયના પોલીસ ઇન્સ્પેકટર આર.કે. સ્વામી કોગ્નીઝેબલ ગુન્હાના આરોપીને લઇને બેડીમાં તપાસ કરી રહયા હતા ત્યારે બેડીની જામા મસ્જીદ પાસે બે થી અઢી હજાર જેટલાં લોકોના ટોળાએ એકત્ર થઇને આરોપીને છોડાવવા માટે પોલીસપાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પથ્થરમારો અને ખાનગી ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસે વળતી કાર્યવાહી દરમ્યાન કરેલા ફાયરીંગમાં 3 વ્યકિતના મૃત્યુ નિપજયા હતા. આ ઘટના અંગે પોલીસે તે સમયે રાયોટિંગ અને ટાડા (આતંકવાદી ધારો) સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધ્યો હતો. ત્યારબાદ કરવામાં આવેલી તપાસ બાદ કુલ 175 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. પરંતુ ટાડાની કલમને લઇને આ કેસમાં લાંબા સમયથી કાનૂની જંગ ચાલી રહયો હતો. જે દરમ્યાન અદાલતે આ કેસમાંથી ટાડાની કલમ રદ કરી હતી. આ પ્રક્રિયાને કારણે સમગ્ર મામલાની ટ્રાયલ શરૂ થઇ શકી ન હતી. હવે 32 વર્ષ બાદ જામનગરની અદાલતમાં આજે 1990ના આ કેસમાં ટ્રાયલ શરૂ થતાં આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.