ભાણવડ તાલુકાનું જામ રોજીવાડા ગામ આઝાદીના 75 વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાઓથી તદ્દન વંચિત છે.
જામ રોજીવાડામાં ગ્રામજનો વર્ષોથી રોડ-રસ્તા,ગંદકી સહિતની સમસ્યાઓથી પીડાઈ રહ્યા.ગામમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ હોય કે પછી ગામની શેરી-ગલી હોય બધે લગભગ બારેમાસ કાદવ-કિચડ અને ગંદા પાણીના ખાબોચીયા ભરાયેલા રહે છે જેમાં રોગચાળો ફેલાવનારા મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ રહે છે આ ઉપરાંત બે બે ફુટ સુધી ભરાયેલા રહેતા ગંદા પાણી અને કાદવ કીચડમાં સરીસૃપ જેવા જનાવર પણ અવારનવાર જોવા મળે છે અને ગ્રામજનોની કરૂણતા એ છે કે શાળાએ જતા નાના ભુલકાઓથી લઈ વયોવૃદ્ધ લોકોને આવા ગંદકી અને કાયમ જીવ માટે જોખમી બનેલા પાણીના ખાબોચીયા અને કાદવ-કીચડમાંથી રોજ અનેક વખત પસાર થવાની ફરજ પડી રહી છે.
જાણવા મળ્યા મુજબ જામ રોજીવાડામાં જે શેરીમાં લગભગ બારેમાસ બે બે ફુટ સુધી પાણી ભરાયેલ રહે છે અને કાદવ કીચડથી ખદબદ રહે છે એ શેરીની પાકી સડક બનાવવા માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજુર થઈને પડી હોવા છતાં આજે વર્ષો પછી પણ પાકી સડક બની શકી નથી અને ગ્રામજનો વ્યાપક હાલાકીનો સામનો કરી રહી છે.
આ ઉપરાંત ગામમાં પ્રવેશવા માટેની મુખ્ય સડકની હાલત પણ એવી છે કે ફોર વ્હીલર વાહનને અંદર પ્રવેશ કરાવવુ કે બહાર લાવવુ હોય તો રોડની સાઈડમાં ઉતારીને લાવવાની ફરજ પડે છે એ રીતે મુખ્ય સડક વર્ષોથી તુટેલી છે પરંતુ નિંભર તંત્ર કે જવાબદાર હોદેદારોને એની સહેજ પણ દરકાર નથી.