જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં બપોરના સમયે આર્મીના ટ્રકની ઠોકરે આવી જતાં બાઇમાં પાછળ બેસેલા વૃધ્ધાનુ ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જયારે તેણીના પતિ અને એક બાળકને ઇજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતાં અર્જુનદાસ ચિમનદાસ પંજવાણી(ઉ.વ.71) નામના વૃધ્ધ તેની પત્ની તારાબેન અને જેનિલ નામના બાળક સાથે જીજે.10.બીએફ.4565 નંબરના બાઇક પર પવનચકકી સર્કલમાંથી બપોરે પસાર થતાં હતાં. ત્યારે આર્મીવાળા રોડ પરથી આવતાં આર્મીના ટ્રકની ઠોકર લાગતાં અકસ્માતમાં બાઇક પાછળ બેસેલા તારાબેન અર્જુનભાઇ પંજવાણી (ઉ.વ.70) નામના વૃધ્ધાને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જયારે બાઇક સવાર વૃધ્ધને અને પાછળ બેસેલા જેનિલ દિનેશ પંજવાણી(ઉ.વ.3) નામના બાળકને ઇજા પહોંચી હતી.
ઇજાગ્રસ્ત દંપતી અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તારાબેનનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જયારે વૃધ્ધ અને બાળકને સારવાર આપવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.