જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ઓછા સિબિલ સ્કોર છતાં સસ્તા વ્યાજ દરે લોન આપવાના નામે બનાવટી ફાયનાન્સ કંપની બનાવી છેતરપિંડી આચરતી જામનગરના ફલ્લાની યુવતી સહિત બે શખ્સોને જામનગર સાઈબર ક્રાઈમે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ઓછો સિબિલ સ્કોર હોવા છતાં સસ્તા વ્યાજદરે લોન આપવાના બહાને બોગસ ફાયનાન્સ કંપની બનાવી છેતરપિંડી આચરતી ગેંગ વિરૂધ્ધ જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ દરમિયાન જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.પી.ઝા અને ટીમ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા કરાયેલા વિશેષ ટેકનિકલ એનાલીસીસ અને બેંક સ્ટેટમેન્ટના આધારે પોલીસ કોન્સ્ટેબલ રંજનાબેન વાઘ, ગીતાબેન હિરાણી, એએસઆઈ ડી.જે.ભુસા, પો.કો. રાહુલ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતી જાનકી ઉર્ફે ઈશિકા રવજી ધમસાણિયા નામની પટેલ યુવતીને અને સુરતના આમરોલી ચાર સ્તા પાસે રહેતાં હીરા ઘસવાનું કામ કરતાં વિરલ ઉર્ફે શ્રેયસ જગદીશ સિઘ્ધપુરા નામના બે વ્યકિતઓની ધરપકડ કરી હતી.
સાઈબર પોલીસ દ્વારા જાનકીબેન અને વિરલ બન્ને શખ્સોની પૂછપરછ હાથ ધરતા આ ટોળકીએ જામનગરના નાગરિક સહિત વલસાડ અને રાજકોટના લોકો મળી કુલ 4 વ્યકિતઓ સાથે છેતરપિંડી આચરી હતી અને આ વ્યકિતઓ પાસેથી સસ્તા વ્યાજદરે લોન આપવાના બહાને આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી પ્રોસિસીંગ ફી પેટે રૂા.19850 ની રકમ પડાવી લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન આ ગેંગ દ્વારા બનાવટી ફાયનાન્સ કંપનીના ફેસબુક પેજ બનાવી ઓછા સિબિલ સ્કોર હોવા છતાં સસ્તા વ્યાજદરે લોન આપવાની લોભામણી પોસ્ટ શેર કરી જરૂરિયાતમંદ નાગરિકો પાસેથી નાણાં પડાવી અને લોકોને લોન નહીં આપી પૈસાની છેતરપિંડી આચરતા હોવાનું ખૂલ્યું હતું.