નરખડી ગ્રામ પંચાયતના મહિલા તલાટી અને એક વચેટિયાને એસીબીએ ખેતીવાડીની જમીન ઉપર વીજ મીટર માટેની પ્રક્રિયા આગળ ધપાવવા માટે રૂા. એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, આ કામના ફરિયાદીની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી હોય આ જમીનની દેખરેખ અને જમીન લગ્ન અન્ય કામગીરી ફરિયાદી સંભાળતા હોય, ખેતીની જમીનમાં લગત બિયારણ, ખાતર વગેરે સર-સામાન મૂકવા તથા મજૂરોને રહેવા માટે પતરાના સેડવાળી ઓરડી બનાવી હતી. જેમાં વીજમીટરની જરૂરિયાત હોવાથી નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા તેમજ જરૂરી મંજૂરી મેળવવા માટે અરજી કરી હતી. જે કાર્યવાહી કરવાના અવેજ પેટે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા નીતાબેન મોકમભાઇ દ્વારા રૂા.1 લાખની લાંચની માંગણી કરી હતી અને તે લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર રહેતા મહેશભાઈ અમૃતભાઈ આહજોલિયાને આપવા જણાવ્યું હતું.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદી દ્વારા એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબી દ્વારા તા.22 ના રોજ સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપરવીઝન હેઠળ સુરત એસીબીના પીઆઈ એ.કે.ચૌહાણ સહિતના સ્ટાફ દ્વારા છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી સાથે આરોપી તલાટી નીતાબેન પટેલ એ તથા મહેશભાઇ આહજોલિયાએ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદીએ સુરતથી આંગડિયા મારફતે રૂા.1 લાખ ગાંધીનગર આંગડિયાની ઓફિસેથી મોકલ્યું હતું. જે મહેશભાઇ આહજોલિયાએ તેના બે ઓળખીતા વ્યક્તિઓ મારફતે લાંચની રકમ સ્વીકારી હતી. જેને લઇને એસીબીએ આરોપી તલાટી નીતાબેનને નર્મદા જિલ્લા ખાતેથી તથા મહેશભાઈ આહજોલિયાને ગાંધીનગર ખાતેથી ઝડપી લીધા હતાં.