ધ્રોલના મેળાની બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખીને ધ્રોલમાં રહેતાં ચાર શખ્સોએ જામનગર તાલુકાના મોરારસાહેબ ખંભાલિયામાં રહેતાં યુવાન પર ધોકા-કોયતા જેવા હથિયારોથી હુમલો કરી ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરારસાહેબના ખંભાળિયામાં રહેતાં પરાક્રમસિંહ સવજુભા જાડેજા જોડિયાથી પોતાની સ્વીફટ કાર લઇને જામનગર આવી રહ્યા હતાં ત્યારે ગઈકાલે સાંજે આઠેક વાગ્યે હાપા નજીક મારુતીના શો-રૂમ પાસે પાછળથી સફેદ કલરની અર્ટીગા કારમાં આવેલા ધ્રોલના આફરીદ ઉર્ફે ભાયજી, ઈદાયત ઉર્ફે ભાયજી તેમજ આફરીદની સાથે અન્ય બે શખ્સોએ પરાક્રમસિંહની કારને આંતરી તેમની કાર પર લાકડાના ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખ્યો હતો તેમજ આરોપી ઈદાયતે પરાક્રમસિંહનો કાઠલો પકડી ‘ધ્રોલમાં કયાંય દેખાયો તો જીવતો નહીં રહેવા દઇએ’ તેમ કહીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઘટનામાં વચ્ચે પડેલા અજયસિંહને પણ ચારેય શખ્સોએ ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. પરાક્રમસિંહની ફરિયાદના આધારે પોલીસે ધ્રોલના ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં દરેડની ગોકુલધામ સોસાયટીમાં રહેતાં મનિષાબેન નરેશભાઈ પંચાલને તેની પડોશમાં રહેતા રેખાબેન તેમજ તેમની પુત્રવધૂએ કોઇ કારણોસર બેફામ ગાળો આપી લાકડી વડે માર મારી મુંઢ ઈજા પહોંચાડયાની ફરિયાદ પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
જ્યારે કાલાવડમાં દેવીપૂજકવાસમાં રહેતાં વિક્રમભાઈ મનસુખભાઈ સોલંકીના ઘર પાસે વીકીભાઈ નભાભાઇ દેલવાણિયા, સોલહીલ નભાભાઈ દેલવાણિયા તેમજ વીકીના માતા ગાળો બોલતા હોય વિક્રમભાઈ એ તેમને ગાળો બોલવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ વિક્રમભાઇ ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ડાબા પગમાં લોખંડની ખંપાળી વડે માર મારી ફેકચર સહિતની ઈજા પહોંચાડી હતી. આ ઘટના અંગે વિક્રમભાઈ એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.